વિદેશમાં દિવ્યાંકા-વિવેક સાથે લૂંટ, પૈસા અને પાસપોર્ટ બધું જ ચોરાઈ ગયું, પાછા આવવા માગી મદદ
દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તેમની 8મી વેડિંગ એનિવર

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તેમની 8મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા 8 જુલાઈના રોજ યુરોપના રોમેન્ટિક ટૂર પર ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર તેની યુરોપ ટ્રીપની કેટલીક અદ્ભુત ઝલક શેર કરી. હવે તેણે કહ્યું છે કે, આ સફરમાં તેનો બધો સામાન ચોરાઈ ગયો છે. તેના સામાનમાં પાસપોર્ટ, પર્સ અને ટ્રિપમાં ખરીદેલી તમામ વસ્તુઓનો સામેલ છે. આ તમામ વસ્તુઓની કુલ કિંમત લગભગ 10 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું છે કે, તેને ભારત પાછા આવવા માટે મદદની જરૂર છે. એક વાતચીતમાં તેમણે કહ્યું કે તે ફ્લોરેન્સ પહોંચ્યા હતા અને શહેરમાં તેમની સાથે લૂંટ થઈ હતી. તેઓ શહેરની મુલાકાત લેવા માટે ઉત્સાહિત હતા અને તેમનો તમામ સામાન લૂંટી લેવામાં આવ્યો હતો અને તેમની ખુશી ઝડપથી દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ હતી.
કારની અંદરથી બધો સામાન લૂંટી લીધો
વિવેકે કહ્યું, 'આ ઘટના સિવાય આ પ્રવાસમાં બધું જ અદભુત હતું. અમે ગઈકાલે ફ્લોરેન્સ પહોંચ્યા અને એક દિવસ રોકાવાનું પ્લાનિંગ કર્યું. અમે અમારા રોકાણ માટે એક હોટલ જોવા ગયા અને અમારો બધો સામાન બહાર પાર્ક કરેલી કારમાં છોડી દીધો પરંતુ જ્યારે અમે અમારો સામાન લેવા પાછા ફર્યા ત્યારે અમે જોઈને ચોંકી ગયા કે કારમાં તોડફોડ થઈ ગઈ હતી અને અમારા પાસપોર્ટ, પર્સ, પૈસા, ખરીદદારી સહિતનો તમામ સામાન અને અમારી તમામ કિંમતી ચીજવસ્તુઓ ગાયબ હતી. સારી વાત એ છે કે, તેઓ કેટલાક જૂના કપડાં અને ખાવાની વસ્તુઓ છોડી ગયા હતા.
ફ્લોરેન્સ પોલીસે બહાનું બતાવી મદદ ન કરી
કપલે ત્યાંની સ્થાનિક પોલીસ સાથે વાત કરી, પરંતુ તેમને કોઈ મદદ મળી નહીં. તેઓએ તેમના કેસને એમ કહીને હાથ પાછા ખેંચી લીધા કે તેઓ તેમને મદદ કરી શકતા નથી કારણ કે, તે વિસ્તારમાં કોઈ સીસીટીવી કેમેરા નથી. આ પછી તેમણે દૂતાવાસનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ દુર્ભાગ્યવશ તે પણ ત્યાં સુધીમાં બંધ થઈ ગયો હતો.
દૂતાવાસની મદદની જરૂર છે, પૈસા નથી
આ પછી તેઓ ફ્લોરેન્સ નજીકના એક નાના શહેરમાં પહોંચે છે અને હોટલ સ્ટાફ તેમની મદદ કરી રહ્યો છે. જોકે, તેમની પાસે પૈસા પણ નથી અને તેઓ ભારે મુશ્કેલીમાં છે અને તેમને દૂતાવાસની મદદની સખત જરૂર છે.
વિવેકે કહ્યું- અમારી પાસે કંઈ નથી
વિવેકે કહ્યું, 'અમને ભારત પાછા આવવા માટે ટેમ્પરરી પાસપોર્ટ અને દૂતાવાસની મદદની સખત જરૂર છે, કારણ કે અમારી પાસે કંઈ નથી.'








