'આધાર કાર્ડ ઓફિસમાં મારી દીકરીને હેરેસ કરવામાં આવે છે', હંસલ મહેતાએ સિનિયર મેનેજર પર લગાવ્યા આરોપ
ડાયરેક્ટર હંસલ મહેતાની દીકરીને પોતાનું આધાર કાર્ડ બનાવવામાં ઘણી

ડાયરેક્ટર હંસલ મહેતાની દીકરીને પોતાનું આધાર કાર્ડ બનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફિલ્મ નિર્માતાએ તેની દીકરીની સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે, તેમની દીકરી આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઘણી વખત મુંબઈમાં આધાર કાર્ડ ઓફિસની મુલાકાત લઈ ચુકી છે, પરંતુ કોઈને કોઈ કારણસર તેને સિનિયર મેનેજમેન્ટ દ્વારા પરત મોકલી દેવામાં આવે છે. ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, આ ત્રણ અઠવાડિયાથી ચાલી રહ્યું છે અને તેને હેરેસમેન્ટ ગણાવ્યું.
હંસલ મહેતાની દીકરીને આધાર કાર્ડ બનાવવામાં થઈ રહી છે મુશ્કેલી
હંસલ મહેતાએ X એકાઉન્ટ પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “મારી દીકરી છેલ્લા 3 અઠવાડિયાથી આધાર કાર્ડ માટે અરજી કરવાનો પ્રયાસ કરી રહી છે, તે વરસાદમાં પણ અંધેરી પૂર્વમાં આવેલી આધાર ઓફિસમાં ગઈ હતી પરંતુ ત્યાંના સિનિયર મેનેજમેન્ટ તેને કોઈને કોઈ બહાને પાછા મોકલતા રહે છે. તેની સહી કરાવી લો, આ દસ્તાવેજો લાવો, સ્ટેમ્પ યોગ્ય જગ્યાએ નથી, તમારી આજે એપોઇન્ટમેન્ટ નથી, હું એક અઠવાડિયાની રજા પર છું... આ સૌથી નિરાશાજનક છે અને હેરેસમેન્ટથી ઓછું કંઈ નથી.
હંસલ મહેતાએ CEO UIDAI ઓફિસ અને UIDAI હેન્ડલને X પર પણ ટેગ કર્યા, અને UIDAI હેન્ડલએ ઓટોમેટેડ મેસેજ સાથે જવાબ આપ્યો. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "પ્રિય આધાર નંબર ધારક, કૃપા કરીને તમારી સંપર્ક વિગતો સીધા મેસેજ દ્વારા શેર કરો અને તમે જ્યાં આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તે આધાર કેન્દ્રના સંપૂર્ણ સરનામા સાથે શેર કરો અને અમે તમને આગળ મદદ કરીશું." હંસલે વધુમાં કહ્યું છે કે, તેણે તેને ડીએમ કર્યું છે.
હંસલને બીજા લગ્નથી છે બે દીકરીઓ
ઉલ્લેખનીય છે કે, હંસલને તેની પત્ની સફીના હુસૈનથી બે દીકરીઓ કિમાયા અને રેહાના છે. તેમના પહેલા લગ્નથી તેમને બે દીકરા જય અને પલ્લવ પણ છે. જયએ તાજેતરમાં જ ફિલ્મ પ્રોડ્યુસર તરીકે ડેબ્યૂ કર્યું છે. તેણે ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ના સહ-નિર્દેશક હતા અને ‘લુટેરે’ના બે એપિસોડનું નિર્દેશન કર્યું હતું.






