Saif Ali Khanએ Amrita Singh પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું? જાણો 'અજીજા' નામ પાછળનું કારણ

સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો સંબંધ એક સમયે ગૉસિપની દુનિયામાં છવાયેલો રહેતો હતો. તેમના આંતરધર્મ લગ્ન, ઉંમરનો તફાવત અને ધાર્મિક ઓળખ પર અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ સૈફે એક જૂના ઈન્ટરવ્યુમાં ધર્મ અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું. તેણે અમૃતા સાથેના લગ્ન પર વાત કરતા જણાવ્યું હતું કે તેણે ક્યારેય પોતાના ઘરમાં કોઈને ધર્મના સંદર્ભમાં દબાણ કર્યું નથી.
સૈફે તે અફવાઓનું ખંડન કર્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નિકાહ પછી તેણે અમૃતા પર ઈસ્લામ કબૂલ કરવાનું દબાણ કર્યું હતું. એક અહેવાલ મુજબ, સૈફે આ વાતોને ખોટી ગણાવતા સખત પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે, "ડિંગી (અમૃતા સિંહ)ને ક્યારેય મુસ્લિમ બનવા માટે દબાણ કરવામાં આવ્યું નહોતું કે ન તો તેને ઈસ્લામ ધર્મ પાળવા માટે કહેવામાં આવ્યું હતું. અમારા કિસ્સામાં શરૂઆતથી જ 'દરેકનો પોતાનો ધર્મ' એ સિદ્ધાંત હતો. મારા બાળકો સારા અને ઈબ્રાહિમ જ્યારે મોટા થઈ રહ્યા હતા, ત્યારે મેં તેમની સાથે પણ આ જ સિદ્ધાંતનું પાલન કર્યું હતું."
આંતરધર્મ લગ્ન પછી પણ સૈફ અને અમૃતા પોતપોતાના ધર્મનું પાલન કરતા હતા. આ અંગે સૈફે કહ્યું હતું કે, "જ્યારે અમૃતા ગુરુદ્વારા જતી, ત્યારે હું ઘરે બાળકો સાથે રહેતો અને તેમનું ધ્યાન રાખતો. સારા અને ઈબ્રાહિમ બંને ધર્મોને નજીકથી જોઈને મોટા થયા છે." નોંધનીય છે કે અમૃતાનો જન્મ મુસ્લિમ માતા રુખસાના સુલતાના અને શીખ પિતા શિવિંદર સિંહ વિર્કને ત્યાં થયો હતો. જ્યારે સૈફ પટૌડી પરિવારમાંથી છે. તેની માતા શર્મિલા ટાગોરે મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા પછી ઈસ્લામ સ્વીકાર્યો હતો.
સૈફને બાળકોની ચિંતા હતી
ઈન્ટરવ્યુમાં સૈફે જણાવ્યું કે અમૃતા સાથેના 13 વર્ષના લગ્ન તૂટ્યા બાદ તેને બાળકોની ચિંતા સતાવતી હતી. એક્ટરે કહ્યું હતું કે, "જ્યારે અમે અલગ થયા, ત્યારે હું સારા અને ઈબ્રાહિમને લઈને ખૂબ ચિંતિત હતો. તેઓ ત્યારે અમૃતાની કસ્ટડીમાં હતા. પરંતુ મને ભરોસો હતો કે અમૃતા ક્યારેય તેમને કોઈ પણ રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે, ખાસ કરીને અમારા ધર્મના મામલામાં તો બિલકુલ નહીં."
વર્ષો પછી જ્યારે સૈફે કરીના કપૂર સાથે લગ્ન કર્યા ત્યારે પણ ધર્મનો મુદ્દો ઉઠ્યો હતો. આ અંગે સૈફે કહ્યું હતું કે, "પહેલાની જેમ જ મને આનાથી કોઈ ફરક પડતો નથી. આનાથી મારા જીવન કે મારા પર કોઈ અસર નહીં પડે." સૈફ અને કરીના સુખી લગ્નજીવન વિતાવી રહ્યા છે અને તેમને બે પુત્રો તૈમૂર અને જેહ છે.
શર્મિલાએ સૈફને કહ્યું હતું- અમૃતા સાથે લગ્ન ન કરતો
સૈફ અલી ખાન અને અમૃતા ફિલ્મના સેટ પર મળ્યા હતા અને પહેલી જ નજરમાં સૈફને અમૃતા ગમી ગઈ હતી. ત્યારબાદ બંનેએ ડેટિંગ શરૂ કર્યું. એક ઈન્ટરવ્યુમાં સૈફે જણાવ્યું હતું કે શર્મિલા ટાગોર તેમના સંબંધોથી ખુશ નહોતી. "મારી માતાને અમારા રિલેશનશિપ વિશે ખબર હતી, પરંતુ તે નહોતી ઈચ્છતી કે અમે લગ્ન કરીએ. તેમણે કહ્યું હતું કે તમે તમારા સંબંધમાં ભલે ખુશ હોવ પણ લગ્ન ન કરતા." છતાં બંનેએ છૂપી રીતે લગ્ન કરી લીધા હતા.
મિત્રના ઘરે થયા હતા સૈફ-અમૃતાના નિકાહ
ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાએ એક યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે અમૃતા અને સૈફના લગ્ન કરાવવા માટે એક મૌલવી અને એક શીખ પૂજારી આવ્યા હતા. એક મિત્રના એપાર્ટમેન્ટમાં બંનેના નિકાહ થયા હતા અને ત્યારબાદ અભિનેત્રીએ પોતાનું નામ 'અજીજા' રાખ્યું હતું. તેમણે કહ્યું, "અમે તેમના લગ્નમાં સાક્ષી તરીકે સહી કરી હતી. તે બંને એક દિવસ અચાનક અમારી પાસે આવ્યા અને કહ્યું કે તેમને લગ્ન કરવા છે. સૈફ ત્યારે અમૃતાના ઘરે રહેતો હતો અને તેને પ્રેમ કરતો હતો. સૈફ તો તૈયાર હતો પણ અમૃતા લગ્ન માટે હા-ના કરતી હતી."

