અમદાવાદમાં પણ યોજાશે ColdPlayનું કોન્સર્ટ? મુંબઈ પછી ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’માં આ તારીખે શોની ચર્ચા, જાણો હકીકત
બ્રિટિશ રૉક બેન્ડ ColdPlay ભારત આવી રહ્યું છે. મુંબઈમાં એના ત્ર

બ્રિટિશ રૉક બેન્ડ ColdPlay ભારત આવી રહ્યું છે. મુંબઈમાં એના ત્રણ શો થવાના છે. 22 સપ્ટેમ્બરે શરૂ થયેલું ટિકિટોનું વેચાણ ગણતરીની મિનિટોમાં જ બંધ થઈ ગયું હતું. ત્રણેય શો ફટાફટ સોલ્ડ આઉટ થઈ ગયા. ભારતમાં કોઈપણ કાર્યક્રમ માટે ટિકિટોના સૌથી ઝડપથી થયેલ વેચાણનો રેકોર્ડ ColdPlayના કોન્સર્ટે બનાવ્યો છે. ટિકિટ ન મળવાથી કોલ્ડપ્લેના કરોડો ફેન્સ નિરાશ થયા છે. એવામાં અફવા ઊડી છે કે, ColdPlayનો એક શો અમદાવાદમાં ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ ખાતે થવાનો છે. ચાલો જાણીએ કે આ વાતમાં ખરેખર દમ છે કે પછી એ ફક્ત અફવા જ છે.
કઈ રીતે ઊડી અફવા?
કોલ્ડપ્લેના અમદાવાદની સંભવિત કોન્સર્ટની અફવા ઊડી રહી છે એના પાછળનું કારણ સાવ પોકળ નથી. 16 સપ્ટેમ્બરના રોજ કોલ્ડપ્લેના ભારતીય ‘એક્સ’ એકાઉન્ટ ‘કોલ્ડપ્લે ઇન્ડિયા’ પરથી એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં પ્રશ્ન પૂછાયો હતો કે, ‘શું આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ કરીને સૌથી મોટા સ્ટેડિયમમાં કોન્સર્ટનો વિશ્વ રેકોર્ડ બનાવી શકીએ? મૂન મ્યુઝિક ટૂર એના માટે એકદમ યોગ્ય રહેશે.’
અંદાજિત આ તારીખે યોજાઈ શકે છે અમદાવાદમાં શો
પોસ્ટ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ચાર ફોટોગ્રાફ પણ મૂકવામાં આવ્યા હતા. પોસ્ટ પર લોકોએ જાતભાતની કોમેન્ટ્સ કરી છે, જેમાં મોટાભાગના લોકોએ અમદાવાદમાં ColdPlay કોન્સર્ટ બદલ ઉત્સાહનો સૂર વ્યક્ત કર્યો છે. પોસ્ટને પગલે ચર્ચા ચાલી છે કે, મુંબઈમાં શો પતાવ્યા પછી 25 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદમાં શો યોજાવાની શક્યતા છે.
અફવા બજારને પરિણામે હોટલોના ભાડામાં વધારો
અફવાને પરિણામે દેશભરના ફેન્સ ઉત્સાહમાં આવી ગયા છે, જેમને મુંબઈના શોની ટિકિટ નથી મળી એ તો ખાસ. એને કારણે અમદાવાદમાં હોટલના ભાડામાં રાતોરાત વધારો થઈ ગયો છે. એને લીધે પણ આ અફવા સાચી હોવાનું કહેવાઈ રહ્યું છે.
મુંબઈ શોની તારીખો
ColdPlay જાન્યુઆરી 2025માં મુંબઈમાં પર્ફોર્મ કરશે. બેન્ડે 18 જાન્યુઆરી, 19 જાન્યુઆરી અને 21 જાન્યુઆરીએ નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે ત્રણ કોન્સર્ટનું આયોજન કર્યું છે. મૂળ તો ફક્ત બે જ શો થવાના હતા, પણ ફેન્સના અભૂતપૂર્વ ધસારાને ધ્યાનમાં લેતાં છેલ્લી ઘડીએ 21 જાન્યુઆરીની ત્રીજી કોન્સર્ટ ઉમેરવામાં આવી છે. ટિકિટોની કિંમત 2,000થી 35,000 રૂપિયા સુધીની રાખવામાં આવી છે.
શું છે ColdPlay?
ColdPlay એ બ્રિટિશ રૉક બેન્ડ છે, જેની શરૂઆત લંડનમાં 1997માં થઈ હતી. આ બેન્ડમાં લીડ વોકલિસ્ટ ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયનનો સમાવેશ થાય છે.
મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર
ColdPlay ‘મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ’ નામની વર્લ્ડ ટૂર લઈને વિશ્વભ્રમણ પર નીકળ્યું છે અને એના અનુસંધાનમાં જાન્યુઆરી 2025માં ભારત આવે છે. ગ્રેમી એવોર્ડ વિજેતા ColdPlay બીજીવાર ભારત આવી રહ્યું છે. આઠ વર્ષ અગાઉ 2016માં તેમણે ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલના ભાગરૂપે મુંબઈમાં પર્ફોર્મ કર્યું હતું. ColdPlayની કોન્સર્ટ જો અમદાવાદમાં યોજાશે તો સંગીતશોખીન શહેરીજનો માટે એ અનુભવ અવિસ્મરણીય બની રહેશે. ક્રિકેટ વિશ્વકપ પછી ફરી એકવાર શહેરની ઈકોનોમીમાં ઉછાળો આવશે, એ ફાયદો પણ ખરો.








