'ઇમરજન્સી'ની રિલીઝ પર પ્રતિબંધ વચ્ચે બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા કો-પ્રોડ્યૂસર્સ, કંગનાની ફિલ્મ પર આજે નિર્ણય
બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત હાલ તેની ફિલ્મ 'ઇમરજન્સી'ને કારણે ચર્ચામા

બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત હાલ તેની ફિલ્મ 'ઇમરજન્સી'ને કારણે ચર્ચામાં છે. તેની ફિલ્મ 6 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ હાલમાં રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. વાસ્તવમાં, શિરોમણિ અકાલી દળ અને કેટલાક શીખ સંગઠનોએ ફિલ્મને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, કંગનાએ 'ઇમરજન્સી'માં શીખ સમુદાયને ખોટા રસ્તે બતાવ્યો છે. એટલું જ નહીં, ફિલ્મ પર ઐતિહાસિક ઘટનાઓ સાથે ચેડા કરવાનો અને ખોટી રીતે રજૂ કરવાનો પણ આરોપ છે. આ વિવાદોને કારણે ફિલ્મની રિલીઝને હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે. આ દરમિયાન, નિર્માતાઓએ 'ઇમર્જન્સી'ને રિલીઝ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે.
હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝે મંગળવારે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન (CBFC)ને કંગના રણૌતની ફિલ્મ 'ઇમરજન્સી'ને સર્ટિફિકેટ આપવા માટે નિર્દેશ આપવા માટે અરજી કરી છે. કોર્ટે આ મામલે આજે એટલે કે બુધવારે સુનાવણી કરવા સંમતિ આપી છે. ઉલ્લેખનીય છે કે, કંગનાની નિર્દેશિત ફિલ્મ 'ઇમરજન્સી'ના નિર્માતા ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ છે.
અરજીમાં કરવામાં આવ્યો આ દાવો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, CBFCએ ગેરકાયદે અને મનસ્વી રીતે ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝને અટકાવી છે. એક વકીલના જણાવ્યા અનુસાર, અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સેન્સર બોર્ડે ફિલ્મ માટે સર્ટિફિકેટ પહેલેથી જ જારી કરી દીધું હતું, પરંતુ બાદમાં વિવાદને ધ્યાનમાં રાખીને તેને જારી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
બુધવારે સુનાવણી માટે સંમત થયા
કોર્ટમાં અરજી દાખલ કરીને, ઝી એન્ટરટેઈનમેન્ટે જસ્ટિસ બીપી કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદૌસ પૂનીવાલાની ડિવિઝન બેંચ પાસેથી આ મામલે તાત્કાલિક સુનાવણીની માગ કરી છે. કોર્ટે બુધવારે સુનાવણી હાથ ધરવા સંમતિ આપી છે. સ્વાભાવિક રીતે, અગાઉ કંગના રણૌતની ફિલ્મ 'ઇમરજન્સી' 6 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી હતી. હવે, રિલીઝ મોકૂફ રાખ્યા પછી, તેની નવી તારીખ શું હશે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
ઈન્દિરા ગાંધીના રોલમાં કંગના
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ઇમરજન્સી' વર્ષ 1995માં દેશમાં લાદવામાં આવેલી ઇમરજન્સી પર આધારિત છે. આ ફિલ્મમાં કંગના રણૌતે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. તેના સિવાય આ ફિલ્મમાં અનુપમ ખેર, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે, મિલિંદ સોમન અને દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ છે.








