VIDEO: કેનેડામાં દિલજીતના કોન્સર્ટ દરમિયાન અચાનક સ્ટેજ પર આવી ગયા કેનેડિયન વડાપ્રધાન ટ્રૂડો, કહ્યું...
ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ માટે આ વર્ષ મોટી સફળતા લઈને આવી રહ્ય

ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ માટે આ વર્ષ મોટી સફળતા લઈને આવી રહ્યું છે. બોલિવૂડ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથેની દિલજીતની ફિલ્મ 'ચમકીલા'ના ખૂબ વખાણ થયા હતા, તો બીજી તરફ 'ક્રુ'માં તેને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી. તો બીજી તરફ વિદેશમાં તેની મ્યુઝિક ટૂરનો ક્રેઝ શ્રોતાઓને આકર્ષિત કરી રહ્યો છે. હવે દિલજીત માટે વધુ એક ગર્વની ક્ષણ આવી છે. કેનેડામાં પર્ફોર્મ કરી રહેલા દિલજીતના શોની મુલાકાત વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતે લીધી હતી. દિલજીતના કોન્સર્ટમાં સરપ્રાઈઝ વિઝિટ કરનાર ટ્રુડોએ તેની સાથે તસવીર ક્લિક કરાવી અને સ્ટેજ પર રમૂજી પળો પણ શેર કરી.
દિલજીતના કોન્સર્ટમાં પહોંચ્યા જસ્ટિન ટ્રુડો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દિલજીત સાથેની તસવીરો શેર કરી છે. પીળો શર્ટ અને લાલ પાઘડી પહેરેલ દિલજીત ટ્રુડો સાથે હાથ મિલાવતો જોવા મળે છે. ટ્રુડોએ તસવીર સાથે લખ્યું, 'દિલજીત દોસાંજને તેના શો પહેલા શુભકામનાઓ આપવા રોજર્સ સેન્ટર પહોંચ્યા. કેનેડા એક મહાન દેશ છે, જ્યાં પંજાબનો છોકરો ઇતિહાસ રચી શકે છે અને સ્ટેડિયમ સોલ્ડ આઉટ કરી શકે છે. વિવિધતા એ માત્ર આપણી શક્તિ નથી, તે આપણી સુપર પાવર છે.
દિલજીતે તેના શો પહેલા ટ્રુડો સાથેની મુલાકાતનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં ટ્રુડો દિલજીતના આખા ગ્રૂપને મળતા અને તેમનો ડાન્સ અને પર્ફોર્મન્સ જોતા જોવા મળે છે. તે દિલજીતની ટીમને ચીયર પણ કરી રહ્યા હતા અને 'પંજાબી આ ગયે ઓયે' કહીને બધા સાથે પોઝ આપી રહ્યા હતા. ટ્રુડો સાથે વીડિયો શેર કરતા દિલજીતે લખ્યું, 'વિવિધતા કેનેડાની તાકાત છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ઇતિહાસ રચાતા જોવા આવ્યા: અમે રોજર્સ સેન્ટરમાં સોલ્ડ આઉટ છીએ. ઉલ્લેનીય છે કે, વીકેન્ડમાં દિલજીતે કેનેડાના ટોરોન્ટોમાં પર્ફોર્મ કર્યું અને તે પહેલો પંજાબી કલાકાર બન્યો, જેનો શો રોજર્સ સેન્ટરમાં સોલ્ડ આઉટ ગયો.
દિલજીતનો આંતરરાષ્ટ્રીય સ્વેગ
ઉલ્લેખનીય છે કે, દિલજીત ખૂબ જ લોકપ્રિય વૈશ્વિક કલાકાર બની રહ્યો છે. તાજેતરમાં તેણે જિમી ફેલોનના 'ધ ટુનાઈટ શો'માં પર્ફોર્મ કર્યું હતું, જે એક મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ માનવામાં આવે છે. દિલજીતે કોચેલામાં પણ પર્ફોર્મ કર્યું હતું અને તેની પંજાબી ફિલ્મ 'જટ્ટ એન્ડ જુલિયટ 3' નોર્થ અમેરિકન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 'જટ્ટ એન્ડ જુલિયટ 3'ની વાત કરીએ તો નીરુ બાજવા સાથેની દિલજીત દોસાંજની આ ફિલ્મે 15 દિવસમાં 86 કરોડ રૂપિયાથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. અત્યાર સુધીમાં, દિલજીતની ફિલ્મ 'કેરી ઓન જટ્ટા 3' પછી ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનાર પંજાબી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ હવે રૂ. 100 કરોડનો ટાર્ગેટ વટાવી ચૂકી છે અને નંબર 1 ભારતીય પંજાબી ફિલ્મ બનવા તરફ ઝડપથી આગળ વધી રહી છે.






