બોલિવૂડના શોમેન રાજ કપૂર પોતે જ 'હતા 'પ્રેમરોગી', ગર્લફ્રેન્ડની યાદમાં શરીર પર જાતે જ આપતા હતા સિગારેટના ડામ
ભારતીય સિનેમાના એ પીઢ અભિનેતા કે જેનું નામ સાંભળતા જ ચહેરો મનમાં આવી જાય છે. તે બીજું કોઈ નહીં પણ બોલિ

ભારતીય સિનેમાના એ પીઢ અભિનેતા કે જેનું નામ સાંભળતા જ ચહેરો મનમાં આવી જાય છે. તે બીજું કોઈ નહીં પણ બોલિવૂડના શોમેન રાજ કપૂર હતા, જેમણે વર્ષ 1988માં આ દિવસે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમણે પોતાની શાનદાર કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પાકિસ્તાનના પેશાવરમાં જન્મેલા રાજ કપૂર એક એવા અભિનેતા હતા જેમણે તેમના પિતા પૃથ્વીરાજ કપૂરના પગલે ચાલીને ફિલ્મ ઉદ્યોગમાં ઘણું નામ કમાવ્યું હતું. રાજે ભારતીય સિનેમામાં મોટું યોગદાન આપ્યું છે.
11 વર્ષની ઉંમરે પહેલી હિટ ફિલ્મ
આજે બોલિવૂડ શોમેન રાજ કપૂરની પુણ્યતિથિ છે. અસ્થમાની બીમારીને કારણે 2 જૂન 1988ના રોજ 63 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. દુનિયાને અલવિદા કર્યા પછી, તેમનો સિનેમેટિક વારસો પાછળથી તેમના ત્રણ પુત્રો ઋષિ કપૂર, રણધીર કપૂર અને રાજીવ કપૂરે સંભાળ્યો. રાજ કપૂરે ઘણી ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન કર્યું હતું. રાજ કપૂરે માત્ર 11 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે પહેલીવાર ફિલ્મ 'ઇન્કલાબ'માં જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે તેમના નિર્દેશનમાં બનેલી પહેલી ફિલ્મ 'આગ' હતી, જેમાં તે ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી નરગીસ સાથે મુખ્ય ભૂમિકામાં હતા.
રાજ કપૂરે 9 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. તેમની ફિલ્મો 'આવારા' અને 'બૂટ પોલિશ' પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પામ ડી'ઓર માટે નોમિનેટ થઈ હતી. રાજ કપૂરને હિન્દી સિનેમામાં તેમના શ્રેષ્ઠ કામ માટે 1971માં પદ્મ ભૂષણ અને 1988માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો અભિનય અને કામ આજે પણ યાદ કરવામાં આવે છે.
રાજ કપૂર હિન્દી સિનેમાનું એવું વ્યક્તિત્વ છે જેને કોઈ ઓળખની જરૂર નથી. રાજ કપૂરની જેટલી ફિલ્મોની ચર્ચા થતી હતી તેટલી જ તેમની પર્સનલ લાઈફ પણ હેડલાઈન્સમાં રહી હતી. હિન્દી સિનેમાની શેરીઓ રાજ કપૂરના પ્રેમસંબંધોની વાતોથી ગુંજી ઉઠી હતી.
આઈજીની પુત્રી સાથે લગ્ન કર્યા
એકવાર રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર તેમની ડ્રામા કંપની સાથે રીવાના થિયેટરમાં રજૂ કરવા માટે રીવા ગયા હતા. રીવામાં પૃથ્વીરાજ કપૂરની દેખરેખની જવાબદારી તે સમયે રીવાના આઈજી કરતારનાથ મલ્હોત્રાને સોંપવામાં આવી હતી. આ સમય દરમિયાન પૃથ્વીરાજ કપૂર અને આઈજી કરતાર નાથ વચ્ચે મિત્રતા થઈ. પૃથ્વીરાજ કપૂરને આઈજી કરતાર નાથની પુત્રી કૃષ્ણા પસંદ હતી અને તેમણે રાજ કપૂરના લગ્ન તેની સાથે ગોઠવી દીધા હતા. રાજ કપૂર અને કૃષ્ણા મલ્હોત્રાના લગ્ન 1946માં રીવામાં થયા હતા.
પરિણીત રાજ કપૂર નરગીસના પ્રેમમાં પડ્યા
રાજ કપૂર અને નરગીસની લવસ્ટોરી જાણીતી છે. તેમનો પ્રેમ એ હદે પાંગર્યો કે તેમને એ ખ્યાલ પણ ન રહ્યો કે તેઓ પરિણીત છે. 'प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल? कहता है दिल रस्ता मुश्किल, मालूम नहीं है कहां मंजिल' આ ગીત રાજ કપૂરની લવ લાઈફ પર એકદમ ફિટ બેસે છે. કહેવાય છે કે રાજ કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આગ' દરમિયાન તેમની અને નરગીસ વચ્ચે નિકટતા વધવા લાગી હતી.
રાજ કપૂર પ્રેમ માટે પત્નીને છોડી શક્યા ન હતા
રાજ કપૂરના લગ્ન કૃષ્ણા સાથે થયા હતા. આમ છતાં તેમને નરગીસ સાથે પ્રેમ થઈ ગયો. એવું પણ કહેવાય છે કે નરગીસ રાજ કપૂરના પ્રેમમાં એટલી હદે ગળાડૂબ હતી કે તેણે તેની ફિલ્મને ફાઇનાન્સ કરવા માટે તેના ઘરેણાં પણ વેચી દીધા હતા. બંનેએ 9 વર્ષ સુધી એકબીજાના પ્રેમમાં રહ્યા, પરંતુ તેઓ પોતાના મુકામ સુધી પહોંચી શક્યા નહીં. આનું સૌથી મોટું કારણ એ હતું કે રાજ કપૂર તેની પત્નીને તેના પ્રેમ માટે છોડી શક્યા ન હતા.
નરગીસના લગ્ન પછી 'પ્રેમરોગી' બની ગયા હતા
રાજ કપૂર સાથે અલગ થયા બાદ નરગીસે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા. રાજ કપૂર આ આઘાત સહન ન કરી શક્યા. તે દુ:ખના સાગરમાં ડૂબી ગયા, રાજ કપૂરની ઊંઘ હરામ થઇ ગઈ હતી. આખી રાત બાથટબમાં બેસીને દારૂ પીતા અને રડતો. કહેવાય છે કે જ્યારે રાજ કપૂર નરગીસને મિસ કરતા હતા ત્યારે તેઓ સિગારેટથી પોતાની જાતને ડામ પણ આપતા હતા. રાજ કપૂરના જીવનની કેટલીક આવી વાતો સામે આવી છે. તેમની લાઈફ અને લવ સ્ટોરી બંને એક ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી છે. હિન્દી સિનેમાના શોમેન ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ તેમની ફિલ્મો અને અભિનય દ્વારા દરેકના મનમાં જીવંત છે.
રાજ કપૂરની યાદગાર ફિલ્મો
'આવારા', 'બરસાત', 'શ્રી 420', 'સંગમ', 'ચોરી ચોરી', 'અનારી', 'છલિયા', 'તીસરી કસમ', 'મેરા નામ જોકર', 'બોબી', 'સત્યમ શિવમ સુંદરમ' 'પ્રેમ રોગ' અને 'રામ તેરી ગંગા મૈલી' રાજ કપૂરની યાદગાર ફિલ્મોમાં સામેલ છે.








