"બોલિવૂડમાં બધું પ્લાસ્ટિક જેવું લાગે છે"- Prakash Rajનું ચૌકાવનારું નિવેદન

પ્રકાશ રાજ ભારતના એ ગણ્યા-ગાંઠ્યા કલાકારોમાંના એક છે જેમણે છેલ્લા 38 વર્ષોથી સતત ભારતની પાંચ ફિલ્મ ઈન્ડસ્ટ્રી - તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં કામ કર્યું છે. તેમને દરેક જગ્યાએ સારી સફળતા મળી છે. પરંતુ હવે તેમનું માનવું છે કે તમિલ અને મલયાલમ ફિલ્મો હિન્દી સિનેમા કરતા ઘણી સારી છે. તેમના મતે, 2000ના દાયકાના મધ્યમાં મલ્ટિપ્લેક્સનો યુગ શરૂ થયા પછી હિન્દી સિનેમા તેના મૂળિયાંથી દૂર થઈ ગયું છે.
પ્રકાશ રાજ હિન્દી ફિલ્મોથી કેમ નારાજ છે?
પ્રકાશ રાજે કહ્યું, "આજના સમયમાં મને લાગે છે કે મલયાલમ અને તમિલ સિનેમા ખૂબ જ મજબૂત ફિલ્મો બનાવી રહ્યા છે. બીજી તરફ, હિન્દી સિનેમાએ તેના મૂળિયાં ગુમાવી દીધા છે. બધું ખૂબ જ સુંદર અને ચમકદાર દેખાય છે, પરંતુ પ્લાસ્ટિક જેવું લાગે છે, જાણે મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણની મૂર્તિઓ હોય. અમારે ત્યાં (દક્ષિણમાં) હજુ પણ વાર્તાઓ છે. તમિલના નવા યુવા નિર્દેશકો દલિત મુદ્દાઓ પર ફિલ્મો બનાવી રહ્યા છે, અને તે ખૂબ જ આશાસ્પદ છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે મલ્ટિપ્લેક્સ આવ્યા પછી મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફક્ત મલ્ટિપ્લેક્સ માટે ફિલ્મો બનાવવા લાગી. પ્યારી અને હળવી-ફૂલવી ફિલ્મો, કારણ કે તે ચાલતી હતી. તેઓ 'પેજ 3 કલ્ચર'માં ખોવાઈ ગયા અને રાજસ્થાન કે બિહારના ગ્રામીણ વિસ્તારો સાથેનો તેમનો સંપર્ક તૂટી ગયો.
તમિલ-મલયાલમ સિનેમાના વખાણ, હિન્દી ફિલ્મો પર પ્રહાર
પ્રકાશ રાજે યાદ અપાવ્યું કે આઝાદી પછી હિન્દી સિનેમા તેના બિનસાંપ્રદાયિક મૂલ્યોની નજીક હતું. તેમણે 1977ની પ્રખ્યાત ફિલ્મ 'અમર અકબર એન્થોની'નું ઉદાહરણ આપ્યું, જેમાં અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને વિનોદ ખન્ના અલગ-અલગ ધર્મના હોવા છતાં કોઈનો જીવ બચાવવા માટે સાથે મળીને રક્તદાન કરે છે.
તેમણે કહ્યું કે આજે એવું રહ્યું નથી. હવે બધું પૈસા અને દેખાડાનો ખેલ બની ગયું છે - રીલ્સ, પેજ 3 કવરેજ અને જોરદાર સેલ્ફ-પ્રમોશન. આ પ્રક્રિયામાં મને લાગે છે કે ઈન્ડસ્ટ્રીનો દર્શકો સાથેનો સંબંધ તૂટી ગયો છે.

