કાવતરું-હત્યા-રાજકારણ, શેખ હસીનાના જીવનને નજીકથી દર્શાવે છે આ ફિલ્મ
પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસાની આગ સળગી રહી છે અને ત્યાંના લો

પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસાની આગ સળગી રહી છે અને ત્યાંના લોકો આ આગમાં સળગી રહ્યા છે. વિદ્યાર્થીઓનું પ્રદર્શન એવા તબક્કે પહોંચ્યું હતું કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો હતો. શેખ હસીનાના જીવનમાં આવેલા ભૂકંપે સૌને ચોંકાવી દીધા છે. પરંતુ આ પહેલીવાર નથી કે, જ્યારે તેમના જીવનમાં ભૂકંપ આવ્યો હોય. શેખ હસીનાએ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. તેમના જીવન પર ફિલ્મો પણ બની છે.
હસીનાઃ અ ડોટર ટેલ
પીપલુ ખાનના નિર્દેશનમાં બનેલી આ ડોક્યુ-ડ્રામા ફિલ્મમાં શેખ હસીનાના જીવનને સારી રીતે બતાવવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં શેખ હસીના પોતે વાત કરતી જોવા મળી હતી. 70 મિનિટના સમયગાળા સાથે બનેલી આ ફિલ્મ 16 નવેમ્બર 2018ના રોજ રિલીઝ થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર બંગાળી ભાષામાં બનેલી આ ફિલ્મ 1.8 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રજૂ કરવામાં આવી હતી. આ દસ્તાવેજ-ડ્રામા ફિલ્મ 1975માં હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન અને તેના પરિવારના મોટાભાગના સભ્યોની હત્યાની ઘટનાને દર્શાવે છે. ફિલ્મમાં શેખ હસીનાની બહેન શેખ રેહાના પણ વાત કરતી જોવા મળી હતી. તેણે જણાવ્યું કે, કેવી રીતે ષડયંત્રના ભાગરૂપે તેના આખા પરિવારનો નાશ કરવામાં આવ્યો.
મુજીબ: ધ મેકિંગ ઓફ અ નેશન
શેખ હસીના અને તેમના પરિવારની અગ્નિપરીક્ષાને દર્શાવતી બીજી ફિલ્મ બનાવવામાં આવી હતી, જેનું નામ મુજીબઃ ધ મેકિંગ ઓફ અ નેશન હતું. આ ફિલ્મનું નિર્દેશન બંગાળી સિનેમાના પ્રખ્યાત નિર્દેશક શ્યામ બેનેગલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આરીફીન શુવુ, નુસરત ઇમરોઝ તિશા, ફઝલુર રહેમાન બાબુ, નુસરત ફારિયા, રિયાઝ અહેમદ, દિલારા ઝમાન મહત્ત્વની ભૂમિકામાં હતા. ફિલ્મ 'મુજીબ' 13 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ થઈ હતી. 178 મિનિટના સમયગાળા સાથે બનેલી આ ફિલ્મ 83 કરોડ રૂપિયામાં બની હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 41 મિલિયન રૂપિયા સુધીની કમાણી કરી હતી.
જોકે, આ ફિલ્મની સ્ટોરી શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાનથી શરૂ થાય છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે તે પાકિસ્તાનની જેલમાંથી છૂટ્યા બાદ બાંગ્લાદેશ આવે છે. અને નવા દેશનો પાયો નાખવાનો સંકલ્પ કરે છે. આ ફિલ્મમાં બાંગ્લાદેશમાં બનેલી ત્યારથી લઈને અત્યાર સુધી બનેલી નાની-મોટી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેવી રીતે તેમણે જેલમાં રહીને ભૂખ હડતાલ કરી, પછી અયુબ વિરોધી આંદોલનમાં ભાગ લીધો. નેતાથી રાષ્ટ્રપતિ સુધીના તેમના પરિવર્તનની સ્ટોરી ફિલ્મમાં છે. તે પણ બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે લશ્કરી અધિકારીઓના જૂથ દ્વારા તેની અને તેના પરિવારની હત્યા કરવામાં આવી હતી.
શેખ હસીનાનું જીવન
ઉલ્લેખનીય છે કે, શેખ હસીના 2009થી બાંગ્લાદેશનાં વડાપ્રધાન પદ પર હતાં. આ પહેલા તેઓ 1996થી 2001 સુધી બાંગ્લાદેશનાં વડાપ્રધાન હતાં. તે અત્યાર સુધીમાં ચાર વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ ચૂક્યાં છે. તે સ્વતંત્ર બાંગ્લાદેશનાં પ્રથમ વડાપ્રધાન હતાં, જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર 1947ના રોજ થયો હતો. તે તેના પરિવારની સૌથી મોટી દીકરી છે. તેમણે તેમનું પ્રારંભિક જીવન ઢાકામાં વિતાવ્યું હતું. હસીનાએ કોલેજમાં વિદ્યાર્થી નેતા તરીકે શરૂઆત કરી હતી. તેમને રાજકારણમાં ઉભરતી સ્ટાર માનવામાં આવતી હતી, પરંતુ તેમને ખરાબ સમયનો સામનો કરવો પડ્યો હતો જ્યારે વર્ષ 1975માં તેના માતા-પિતા અને ત્રણ ભાઈઓની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ સેનાએ બળવો કરીને હસીનાના પરિવાર સામે મોરચો ખોલ્યો. જોકે, પરિવારના મોટાભાગના સભ્યો માર્યા ગયા હતા, પરંતુ તેમના પતિ વાજિદ મિયાં અને નાની બહેન શેખ રેહાનાનો જીવ બચી ગયો હતો. આ પછી તે વધુ અભ્યાસ માટે જર્મની ગયાં. ત્યારપછી તે દિલ્હી આવ્યાં અને ત્યારબાદ તે બાંગ્લાદેશ પરત ગયા અને તેની પાર્ટીમાં જોડાઈ ગયા.
શેખ હસીનાએ કેમ આપ્યું રાજીનામું?
અહેવાલ છે કે શેખ હસીના સરકારે 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વતંત્રતા સેનાનીઓના સંબંધીઓ માટે ઘણી સિવિલ સેવાઓમાં અનામતની જાહેરાત કરી હતી. જેના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધનો સામનો કર્યા બાદ સરકારે અમુક હદ સુધી ક્વોટા પાછો ખેંચી લીધો હતો. તેમ છતાં વિદ્યાર્થીઓનો વિરોધ ચાલુ રહ્યો હતો. કારણ કે, શેખ હસીનાએ વિરોધ પ્રદર્શન બાદ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા સેનાને બોલાવી હતી. આ સમયગાળા દરમિયાન થયેલી હિંસામાં સેંકડો વિદ્યાર્થીઓના મોત થયા હતા. જેના કારણે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જેના કારણે શેખ હસીનાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી.








