સર્જરી બાદ અમિતાભ બચ્ચનનો ભાવુક ખુલાસો! કહ્યું- 'હોસ્પિટલથી ઘરે આવ્યા પછીનો સમય સૌથી મુશ્કેલ'

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાના બ્લોગ દ્વારા ફેન્સ સાથે એક અત્યંત ભાવુક અપડેટ શેર કર્યું છે. હોસ્પિટલમાં સર્જરી અને સારવાર બાદ ઘરે પરત ફર્યા પછી રિકવરીમાં આવી રહેલા શારીરિક તથા માનસિક પડકારો અંગે તેમણે ખુલીને વાત કરી છે. મોડી રાત્રે લખેલા આ બ્લોગમાં બિગ બીએ જણાવ્યું કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવ્યા પછીનો સમય તેમના સફરનો અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ તબક્કો રહ્યો છે. જોકે, તેમણે કઈ સર્જરી કરાવી છે અથવા તો કયા કારણે તેમને દાખલ કરવા પડ્યા હતા તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ પોસ્ટમાં તેમણે સ્વાસ્થ્યના શારીરિક અને ભાવનાત્મક પાસાઓ પર પ્રકાશ પાડવાની સાથે મુશ્કેલ સમયમાં હિંમત જાળવી રાખવાનો સંદેશ પણ આપ્યો છે.
રિકવરી અને ICUનો સમય
પોતાના બ્લોગમાં અમિતાભ બચ્ચને લખ્યું કે, 'ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સર્જરી અને ICUમાં રહ્યા બાદ ઘરે પરત ફરવું રાહતરૂપ છે, પરંતુ ઘરે આવ્યા પછીનો સમય શારીરિક, માનસિક અને વ્યવહારિક રીતે સૌથી મુશ્કેલ હોય છે. તેમની આ વાત પરથી સંકેત મળે છે કે ડિસ્ચાર્જ થતાં પહેલાં તેમને થોડો સમય ICUમાં રાખવામાં આવ્યા હતા.
જીવન અને હાર પર ઊંડી ફિલસૂફી
આ કઠિન સમયમાં બિગ બીએ જીવનના સંઘર્ષ અને હારનો સામનો કરવા અંગે એક ઊંડી ફિલસૂફી શેર કરી છે. તેમણે લખ્યું કે, 'તમે એક સફળ ચેમ્પિયન હોવ છો અને એક દિવસ હાર તમારી સામે આવીને ઊભી રહી જાય છે… આ તમારા જીવનનો સૌથી કઠિન સમય હોય છે. કેટલાક લોકો આવા પળોમાંથી બહાર આવી જાય છે, જ્યારે કેટલાક જૂની સફળતાઓની યાદોમાં જ જીવે છે. ]કેટલાક લોકો હિંમત બતાવે છે, તો કેટલાક હાર માની લે છે… જેઓ પ્રયાસ કરે છે અને હિંમત દાખવે છે તે હંમેશા ચેમ્પિયન રહે છે, જ્યારે બાકીના લોકો સમજૂતી કરીને જૂની શાન-શૌકતની યાદોમાં જીવે છે. આ દરેક વ્યક્તિની પોતાની પસંદગી છે. બંનેમાંથી કંઈ ખોટું નથી… સ્વસ્થ રહો, ખુશ રહો… બસ આટલું જ.'
ફેન્સની પ્રાર્થના અને આગામી પ્રોજેક્ટ્સ
અમિતાભ બચ્ચને પોતાના સ્વાસ્થ્ય અંગે વધુ કોઈ માહિતી આપી નથી, પરંતુ આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ તેમના ઝડપી સાજા થવા માટે સતત મેસેજ કરી રહ્યા છે અને પ્રાર્થના કરી રહ્યા છે. તેમના વર્કફ્રન્ટની વાત કરીએ તો બિગ બી છેલ્લે 'કલ્કી 2898 AD: પાર્ટ 2'માં જોવા મળ્યા હતા. હવે તેઓ ટૂંક સમયમાં જ 'કૌન બનેગા કરોડપતિ 18'ના હોસ્ટ તરીકે ટીવી સ્ક્રીન પર વાપસી કરશે.

