Amitabh Bachchan લઈને આવી રહ્યા છે 'Kaun Banega Crorepati'ની 17મી સીઝન, જાણો ક્યારે શરુ થશે શો

અમિતાભ બચ્ચન 11 ઓગસ્ટથી 'કૌન બનેગા કરોડપતિ'ની 17મી સીઝન લઈને આવી રહ્યા છે. તાજેતરમાં બિગ બીએ તેમના બ્લોગમાં શો અંગે અપડેટ શેર કર્યું છે.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ લઈને આવી રહ્યા છે. શોની નવી 17મી સીઝન 11 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. તાજેતરમાં આ અંગે અમિતાભ બચ્ચને એક બ્લોગ લખ્યો હતો. બિગ બી કહે છે કે તેઓ આ નવી સફર માટે ઉત્સાહિત હોવાની સાથે ગભરાયેલા પણ છે. KBCની નવી સીઝન અંગે અમિતાભ બચ્ચને લખ્યું, ‘કામ શરૂ… સવારે વહેલા ઊઠવું, વહેલું કામ શરૂ કરવું… KBCની નવી સીઝનનો પહેલો દિવસ… હંમેશની જેમ ગભરામણ, ધ્રૂજતા ઘૂંટણ અને આશંકા પણ.’
દર્શકોમાં અમિતાભ બચ્ચનનો આ ક્વિઝ શો ખૂબ જ લોકપ્રિય છે. એવામાં તેની નવી સીઝનને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. બિગ બીએ શોના સ્પર્ધકો અને દર્શકો અંગે કહ્યું કે, ‘સ્પર્ધકો અને KBCના મંચ પર હાજર દર્શકો જ આ શોને ખાસ બનાવે છે. તેમની ઊર્જાથી જ અમારો ઉત્સાહ વધે છે. મારા તરફથી તેમને શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ.’
આ પહેલા સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝને ગુરુવારે KBCની 17મી સીઝન માટે નવું કેમ્પેઈન ‘જ્યાં અક્કલ છે, ત્યાં અકડ છે’ લોન્ચ કર્યું હતું. અમિતાભ બચ્ચન પણ આ શો માટે તૈયાર થઈ ગયા છે. ફરી એકવાર તેઓ તે જ જુસ્સા સાથે પરત ફરી રહ્યા છે. શોને દર્શકોનો પૂરો પ્રેમ મળ્યો છે. શો વિશે બિગ બીએ જણાવ્યું હતું કે ‘કૌન બનેગા કરોડપતિ’ હંમેશાં જ્ઞાનનો ઉત્સવ રહ્યો છે. આ શો તે ગર્વને દર્શાવે છે જે જ્ઞાન સાથે આવે છે.’ તેઓ નવી સીઝન માટે સંપૂર્ણપણે તૈયાર છે. 11 ઓગસ્ટથી આ શો ઓન એર થશે.

