"દિશા વાકાણી સામે હાથપગ જોડ્યા, પણ..." Jennifer Mistry Bansiwalએ અસિત મોદી અંગે કર્યો વધુ એક ખુલાસો

જેનિફર મિસ્ત્રી બાંસીવાલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન કૌર સોઢીનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ 2023માં તેણે અચાનક જ આ શો છોડ્યો હતો. બહાર આવ્યા બાદ તેણે શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદી સામે યૌન શોષણનો કેસ દાખલ કર્યો હતો. હવે લગભગ બે વર્ષ પછી જેનિફરે અસિત અંગે એક વધુ ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તેની પ્રેગ્નન્સી દરમિયાન અસિતે તેને શોમાંથી બહાર કરી દીધી હતી. જ્યારે દયાબેનનું પાત્ર ભજવનારી દિશા વાકાણીને તેની પ્રેગ્નન્સી દરમિયાન બિલકુલ જુદું વલણ મળ્યું હતું.
એક ઇન્ટરવ્યુમાં જેનિફરે આ ઘટનાને યાદ કરતાં કહ્યું, 2013માં તે સાડા ચાર મહિના પ્રેગ્નન્ટ હતી ત્યારે તેને શોમાંથી બહાર કરી દેવામાં આવી. ત્યારબાદ તેણે પાછા આવવા માટે અસિત મોદીને ઘણી રિકવેસ્ટ કરી, પણ અસિત તેને પાછા લેવા તૈયાર નહોતા. બીજી બાજુ, દિશા પાસે તેની ડિલિવરીના અંતિમ સમય સુધી શૂટિંગ કરાવવામાં આવ્યું.
જેનિફરે કહ્યું તે મુજબ, "હું મારી પ્રેગ્નન્સીના સમયે હાથપગ જોડતી હતી કે મારે શોમાં પાછુ આવવું છે. આ લોકોએ દિશાને શોમાં પાછા લાવવા માટે દિશા સામે હાથપગ પણ જોડ્યા હતા, દિશાની ડિલિવરી બાદ ઘણાં પ્રયાસ કર્યા – પણ દિશા પાછી ના જ આવી."
જેનિફરે વધુમાં કહ્યું કે દિશા વાકાણી ત્યારે પણ શૂટિંગ કરતી હતી જ્યારે તે 9મા મહિને પ્રેગ્નન્ટ હતી. તેનું કહેવું છે, "તે સમયે દિશાને સીડી ચડવાની મનાઈ હતી, તેથી તેના માટે સ્ટ્રેચર જેવું કઈ હતું તેમાં બેસાડી ઉપર લઈ જવામાં આવતી, કેમ કે ઇન્ટિરિયર શૂટ ઉપર થતું હતું."
જણાવી દઈએ કે જેનિફર 2008થી 2013 અને 2016થી 2023 સુધી આ શોનો ભાગ રહી હતી. 2013માં તેની પ્રેગ્નન્સી દરમિયાન તેને શોમાંથી દૂર રાખવામાં આવી. જ્યારે 2023માં યૌન શોષણના કારણે તેણે પોતે શો છોડ્યો.
આ મામલે તપાસ થઈ હતી અને 15 ફેબ્રુઆરી 2024ના રોજ અસિત દોષી ઠર્યા હતા. તેને સજા તરીકે જેનિફરને બાકી લેણાં ચુકવવા તેમજ 5 લાખ રૂપિયાનું વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ કેસના કારણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની છબીને મોટું નુકસાન થયું અને ધીરે ધીરે બીજા ઘણા કલાકારોએ પણ શો છોડી દીધો.

