VIDEO: અમિતાભ બચ્ચન-અજય દેવગનના ઘરમાં ભરાયા વરસાદી પાણી! આ એક્ટ્રેસના તો લિવિંગરૂમ સુધી પાણી-પાણી
મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદે સમગ્ર શહેરના જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે અને બોલિવૂડ સેલેબ્સ પણ આ આફતમાંથી બચી શક્યા નથી. વરસાદી પાણી બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, અજય દેવગન અને 'બિગ બોસ 19'ની કન્ટેસ્ટન્ટ અશનૂર કૌરના ઘરની અંદર સુધી પહોંચી ગયા છે. અશનૂરે તો સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેના એપાર્ટમેન્ટના લિવિંગ એરિયામાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. નવાઈની વાત એ છે કે, થોડા મહિના પહેલા જ અશનૂરે પોતાના આ આલીશાન ઘરની ઝલક ફેન્સને બતાવી હતી.
અમિતાભ બચ્ચનના ઘરની બહાર પૂર જેવી સ્થિતિ
સોશિયલ મીડિયા પર મુંબઈના વરસાદના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક કન્ટેન્ટ ક્રિએટરે શેર કરેલા વીડિયોમાં અમિતાભ બચ્ચનના ઘરની બહાર પાણી ભરાયેલું સ્પષ્ટ જોઈ શકાય છે. વરસાદના પાણી મહાનાયકના પાર્કિંગ એરિયા સુધી પહોંચી ગયા છે. આ વીડિયોમાં બિગ બીના બંને બંગલાની ઝલક જોવા મળે છે, જ્યાં ચારેય તરફ પાણી લબાલબ ભરેલું છે.
અજય દેવગન અને સની દેઓલના ઘરની બહાર પણ પાણી-પાણી
અન્ય એક વીડિયોમાં કન્ટેન્ટ ક્રિએટરે અજય દેવગનના ઘરની સ્થિતિ બતાવી છે. અજય દેવગનના બંગલાની બહાર જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખાસ વાત એ છે કે અજય દેવગનના બંગલાની બિલકુલ સામે જ સની દેઓલનો પણ બંગલો આવેલો છે અને ત્યાં પણ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા છે.
અશનૂર કૌરના લિવિંગ રૂમ સુધી પહોંચ્યું પાણી
ટીવી એક્ટ્રેસ અશનૂર કૌરે બુધવારે સાંજે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કરીને પોતાના ઘરની દયનીય સ્થિતિ બતાવી હતી. વરસાદનું પાણી તેની બાલ્કની અને લિવિંગ રૂમ સહિત ઘરના અન્ય ભાગોમાં પણ ફરી વળ્યું હતું.
આ ક્લિપ શેર કરતા અશનૂરે લખ્યું, "એક ઈવેન્ટ માટે બહાર નીકળવાનું છે અને ઘરની આ હાલત થઈ ગઈ છે." વીડિયોમાં ઘરનો સ્ટાફ વાઇપરની મદદથી પાણી બહાર કાઢતો જોવા મળી રહ્યો છે, જ્યારે ઘરના કિંમતી કાર્પેટ (ગાલીચા)ને પાણીથી બચાવવા માટે લપેટીને ઊંચો મૂકી દેવામાં આવ્યો હતો. અશનૂરે આગળ લખ્યું, "મારા પર લાગેલી તમામ 'નજર' ખુશી, સફળતા અને પ્રગતિમાં બદલાઈ જાય."
મુંબઈમાં 'રેડ નાઉકાસ્ટ એલર્ટ'
ગુરુવારે સવારે મુંબઈમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં 200 મીમી કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને ટ્રાફિકની ગતિ સાવ ધીમી પડી ગઈ છે.
આ અઠવાડિયે સતત ચોથા દિવસે મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ ચાલુ રહ્યો છે. ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા આ વિસ્તાર માટે 'રેડ નાઉકાસ્ટ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

