VIDEO / પૂછપરછ માટે પહોંચ્યો અલ્લુ અર્જુન, પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ઉમટ્યા ફેન્સ
હૈદરાબાદ સંધ્યા થિયેટર નાસભાગ મામલે પૂછપરછ માટે અલ્લુ અર્જુન ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. નાસભાગના કેસમાં એસીપી

હૈદરાબાદ સંધ્યા થિયેટર નાસભાગ મામલે પૂછપરછ માટે અલ્લુ અર્જુન ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. નાસભાગના કેસમાં એસીપી રમેશ કુમાર અને સેન્ટ્રલ ઝોનના ડીસીપી અલ્લુ અર્જુનની પૂછપરછ કરશે. જોકે, અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ તેના ઘર અને પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
આ પ્રશ્નોના જવાબો જાણવાનો પ્રયાસ કરવામાં આવશે
- શું મેનેજમેન્ટે તમને પહેલા સંધ્યા થિયેટરમાં ન આવવા કહ્યું હતું?
- શું તમે જાણો છો કે પોલીસ પાસે ક્લિયરન્સ નથી? તમને ખબર ન હતી?
- શું તમને સંધ્યા થિયેટરના પ્રીમિયર શોમાં આવવાની પરવાનગી મળી હતી? શું તમારી પાસે તેની કોપી છે?
- શું તમે અથવા તમારી પીઆર ટીમે પોલીસ પાસેથી ક્લિયરન્સ લીધું હતું?
- શું તમારી પીઆર ટીમે તમને સંધ્યા થિયેટરની આસપાસની પરિસ્થિતિ વિશે પહેલેથી જ જાણ કરી દીધી હતી?
- તમે કેટલા બાઉન્સર ગોઠવ્યા?
પોલીસે કહ્યું છે કે પૂછપરછ દરમિયાન, વાસ્તવિક હકીકતો જાણવા માટે તેમને ઘટના સ્થળ (સંધ્યા થિયેટર) પર પણ લઈ જઈ શકાય છે. આ સિવાય સીનને રિક્રિએટ કરવાની પણ શક્યતા છે.
આ પહેલા અલ્લુ અર્જુનના ઘરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે અલ્લુ અર્જુનના ઘરને સંપૂર્ણ રીતે બેરિકેડ કરી દીધું છે જેથી રવિવારે હુમલા જેવી ઘટના ફરી ન બને.
અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન
આ પહેલા રવિવારે ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સંધ્યા થિયેટરમાં થયેલા અકસ્માતને લઈને અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ અભિનેતાના ઘર પર ટમેટા ફેંક્યા અને તોડફોડ પણ કરી. પ્રદર્શનકારીઓએ મૃતક મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાની રકમ આપવાની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ તેમની માંગણી માટે દબાણ કરવા માટે ઘરની બહાર રાખવામાં આવેલા ફૂલના કુંડા પણ તોડી નાખ્યા હતા. આ મામલામાં પોલીસે સ્થળ પરથી 8 પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે અભિનેતા ઘરે હાજર નહોતો.
શું હતો સમગ્ર વિવાદ?
આ મહિને સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની 'પુષ્પા-2' ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ફેન્સ અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતાં અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.








