રાહા કપૂર વિશે વાત કરતાં ભાવુક થઈ ગઈ આલિયા ભટ્ટ, કહ્યું- ઘરમાં ઝઘડો થતો હતો અને પછી…
આલિયા ભટ્ટે રાહા કપૂર વિશે ખુલીને વાત કરી

આલિયા ભટ્ટે રાહા કપૂર વિશે ખુલીને વાત કરી હતી. આલિયાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તેને રાહાના અસ્તિત્વનો સૌપ્રથમ અહેસાસ ત્યારે થયો જ્યારે તે વર્ષ 2022માં 'હાર્ટ ઑફ સ્ટોન'નું શૂટિંગ કરી રહી હતી. આલિયાએ કહ્યું, 'હું પોર્ટુગલમાં હતી. બીજા દિવસે મારે એક શૂટ માટે જવાનું હતું તેથી હું વહેલા સૂવાની ટ્રાય કરી રહી હતી અને પછી મને મારા પેટમાં કંઈક લાગ્યું. હું વિચારમાં ખોવાઈ ગઈ. મને લાગ્યું કે, મને એવું કંઈ દેખાતું નથી જેનાથી મારા પેટમાં ગલીપચી થાય.'
રણબીરને ફોન કર્યો
આલિયાએ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું, 'ત્યારે મને સમજાયું કે, આ રાહાના અસ્તિત્વનો અહેસાસ હતો. કદાચ તેણે પહેલી વાર લાત મારી હતી. તે ફરીથી લાત મારે તે માટે હું રાહ જોઈ રહી હતી જેથી હું તેને ફરીથી ફીલ કરી શકું. પણ તેણે એવું ન કર્યું. પછી મેં રણબીરને ફોન કર્યો. રણબીર બોમ્બેમાં હતો અને સૂતો હતો. તેણે ઊંઘમાં પૂછ્યું, શું થયું? મેં કહ્યું, કંઈ નહીં! બેબીએ લાત મારી. તો તેણે કહ્યું, ઠીક છે! તે સારી વાત છે. આ પછી તે સૂઈ ગયો, પણ હું આખી રાત સૂઈ ન શકી. હું ખૂબ ખુશ હતી.’
જ્યારે રાહાએ પહેલીવાર કહ્યું- મમ્મા
આલિયાએ જણાવ્યું કે, જ્યારે રાહાએ પહેલીવાર મમ્મા કહ્યું ત્યારે શું થયું. આલિયાએ કહ્યું, 'હું અને રાહા ઘરમાં એકલા હતા. હું તેની સાથે રમતી હતી અને ત્યારે જ રાહાએ પહેલીવાર મમ્મી કહ્યું. પહેલા ઘરમાં ઝઘડો થતો હતો કે રાહા પહેલા કયો શબ્દ બોલશે, મમ્મા કે પપ્પા? રણબીર કહેતો પપ્પા અને હું કહેતી મમ્મા. જ્યારે તેણે મમ્મા કહ્યું ત્યારે માત્ર રાહા અને હું ઘરે હતા. તેણે મમ્મા કહ્યું કે તરત જ મેં મારો ફોન કાઢી લીધો અને રાહા ફરીથી મમ્મા કહે તેની રાહ જોવા લાગી. પહેલા તો તે રડવા લાગી, પણ પછી તેણે કહ્યું – મમ્મા. મારી પાસે હજુ પણ તે વીડિયો છે.






