Video: Akshay Kumarની સિક્યુરિટી કાર સાથેના અકસ્માત બાદ રિક્ષા ચાલકના ભાઈએ કરી આ માંગ

મુંબઈમાં સોમવારે અક્ષય કુમારની સિક્યુરિટી કારનો અકસ્માત થયો હતો. આ ઘટના જ્યારે બની ત્યારે અભિનેતા અને તેમની પત્ની ટ્વિંકલ ખન્ના એરપોર્ટથી તેમના જુહુ સ્થિત ઘરે જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં એક ઓટો રિક્ષા ચાલક ઘાયલ થયો છે. હવે તેના ભાઈનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે રિક્ષા ચાલકની તબિયત અંગે અપડેટ આપી છે.
ઓટો રિક્ષા ચાલકના ભાઈએ માંગી મદદ
ઓટો રિક્ષા ચાલકના ભાઈ મોહમ્મદ સમીરે જણાવ્યું કે, "આ ઘટના રાત્રે લગભગ 8 થી 8.30 વાગ્યાની આસપાસ બની હતી. મારો ભાઈ રિક્ષા ચલાવી રહ્યો હતો, ત્યારે તેની પાછળ અક્ષય કુમારની ઈનોવા અને એક મર્સિડીઝ કાર હતી. જ્યારે મર્સિડીઝે ઈનોવાને ટક્કર મારી, ત્યારે ઈનોવા રિક્ષા સાથે અથડાઈ હતી. પરિણામે, મારો ભાઈ અને અન્ય એક મુસાફર કારની નીચે ફસાઈ ગયા હતા. આખી રિક્ષા નાશ પામી છે."
તેમણે વધુમાં ઉમેર્યું, "મારા ભાઈની હાલત ખૂબ જ ગંભીર છે. મારી બસ એટલી જ વિનંતી છે કે મારા ભાઈની યોગ્ય સારવાર કરવામાં આવે અને રિક્ષાના નુકસાન માટે વળતર આપવામાં આવે. અમને બીજું કંઈ જોઈતું નથી."

