Exam Preparation Tips / શું તમને પણ વાંચેલું યાદ નથી રહેતું? તો અપનાવો આ ટિપ્સ

બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. જેમ જેમ સમયમર્યાદા નજીક આવે છે તેમ તેમ તણાવ વધે છે. ઘણા વિદ્યાર્થીઓ એટલા તણાવમાં આવી જાય છે કે તેઓ દિવસ-રાત વાંચવાનું શરૂ કરે છે. અભ્યાસ કરવો સારું છે, પરંતુ તમારા મનને થોડો આરામ આપવો પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ મહિનાઓ અગાઉથી પરીક્ષાની તૈયારી શરૂ કરી દે છે.
સિલેબસ પૂર્ણ કરવો, સારા માર્ક્સ મેળવવા અને બધું યાદ રાખવું, તેમના મનમાં આવા જ વિચારો આવતા હોય છે. પરંતુ સત્ય એ છે કે, લાંબા સમય સુધી અભ્યાસ કરવાથી સારા નથી માર્ક્સ મળતા. તે બધું તમે કેવી રીતે અભ્યાસ કરો છો તેના પર આધાર રાખે છે. ઘણા લોકો વાંચવા છતાં બધું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં અમે કેટલીક સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે સારા માર્ક્સ મેળવી શકો છો.
યાદ રાખવાને બદલે સમજીને અભ્યાસ કરો
અભ્યાસ ફક્ત લાઈન યાદ રાખવા વિશે નથી. તમે જે સમજો છો તે લાંબા સમય સુધી યાદ રહે છે. તેથી, જ્યારે પણ તમે અભ્યાસ કરો છો, ત્યારે તેને યાદ રાખવાને બદલે તેને સમજવાનો પ્રયાસ કરો. કોઈપણ ચેપ્ટર શરૂ કરતા પહેલા તેના હેડિંગ અને અબ-હેડિંગ જુઓ. એકવાર વાંચી લીધા બાદ પુસ્તક બંધ કરો અને તમે જે વાંચ્યું અને સમજ્યું તે બોલો અથવા લખો.
નાના ભાગોમાં અભ્યાસ કરો
જ્યારે પણ તમે અભ્યાસ કરવા બેસો છો, ત્યારે બધું એક જ સમયે વાંચવાની જરૂર નથી. નાના ભાગોમાં અભ્યાસ કરવાથી તમને ઝડપથી સમજવામાં મદદ મળે છે. ઉદાહરણ તરીકે, અડધો કલાક અભ્યાસ કરો, પછી 5-10 મિનિટનો નાનો બ્રેક લો. બ્રેક દરમિયાન તમારા મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળો તેના બદલે થોડું ચાલો અથવા પાણી પીવો. આ તમારા મનને ફ્રેશ કરશે અને તમે જે અભ્યાસ કર્યો છે તે યાદ રાખવામાં મદદ કરશે.
એક્ટિવ રિકોલ ફોલો કરો
મોટાભાગના વિદ્યાર્થીઓ એક જ ફકરા વારંવાર વાંચે છે. આને પેસીવ અભ્યાસ કહેવામાં આવે છે. આનાથી તમે જે વાંચ્યું છે તે ઝડપથી ભૂલી જાઓ છો. વાંચ્યા પછી પુસ્તક બંધ કરો અને પોતાને પૂછો, 'તમે જે વાંચ્યું તેનો મુખ્ય મુદ્દો શું હતો?' જો તમે પુસ્તકમાં જોયા વિના તમારા પ્રશ્નોના જવાબ આપી શકો છો, તો તમારી તૈયારી યોગ્ય છે.
યોગ્ય રિવિઝન
એકવાર વાંચવું પૂરતું નથી. પરીક્ષાની તૈયારી માટે રિવિઝન જરૂરી છે. પહેલીવાર વાંચ્યાના 24 કલાકની અંદર રિવિઝન કરો. તે પછી 3 દિવસ, એક અઠવાડિયા અથવા 10 દિવસ પછી ફરીથી રિવાઈઝ કરો.
લખીને યાદ રાખો
જો તમને કોઈ ટોપિક સમજતો ન હોય, તો તેને તમારી નોટબુકમાં લાખો. અરીસા સામે મોટેથી વાંચો. જાતે પ્રશ્નો બનાવો અને જવાબો લખો. આ તમારા કોન્સેપ્ટને ક્લીયર કરવામાં મદદ કરશે.

