8મું પગાર પંચ લાગુ થતા પહેલાં નિવૃત્ત થનારા કર્મચારીઓને એરિયર્સ મળશે? જાણો નિયમો અને પેન્શનર્સની માંગ

આઠમા પગાર પંચને લઈને કેન્દ્ર સરકારના વર્તમાન કર્મચારીઓની સાથે-સાથે નિવૃત્ત થઈ ચૂકેલા કર્મચારીઓના મનમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે તેમની સેલરી અને પેન્શનમાં કેટલો વધારો થશે, તેમને એરિયર્સ મળશે કે નહીં અને આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે? સરકાર દ્વારા સંશોધિત પગાર પંચ 1 જાન્યુઆરી, 2026થી પ્રભાવી થવાનું છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પંચ ક્યારે પોતાનો રિપોર્ટ રજૂ કરશે. હાલ પંચ અલગ-અલગ શહેરોમાં કર્મચારીઓ અને પેન્શનર્સના સંગઠનો સાથે બેઠકો યોજીને તેમની માંગણીઓ જાણી રહ્યું છે. આ દરમિયાન એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે પગાર પંચ લાગુ થાય તે પહેલાં જો કોઈ કર્મચારી નિવૃત્ત થઈ જાય, તો શું તેને એરિયર્સનો લાભ મળશે?
નિવૃત્ત કર્મચારીઓને એરિયર્સ મળવા અંગેની સ્થિતિ
ધારો કે કોઈ કર્મચારી 2027માં નિવૃત્ત થાય છે અને સરકાર પાછળથી આઠમા પગાર પંચની ભલામણોને 1 જાન્યુઆરી, 2026ની ભૂતકાળની તારીખથી (Retrospective Effect) લાગુ કરવાનો નિર્ણય કરે છે, તો તે કર્મચારીને 1 જાન્યુઆરી, 2026થી લઈને નિવૃત્તિની તારીખ સુધીના સમયગાળા માટે જૂની અને સંશોધિત સેલરી વચ્ચેનો તફાવત એટલે કે એરિયર્સ મળી શકે છે. જો કે, આ સંપૂર્ણપણે સરકારના અંતિમ આદેશ અને એરિયર્સની ચુકવણી માટેની શરતો પર જ નિર્ભર રહેશે. માત્ર પ્રભાવી તારીખ નક્કી થવાથી તમામ કર્મચારીઓની પાત્રતા જાતે જ સ્પષ્ટ થઈ જતી નથી. આઠમા પગાર પંચના નિયમો જ એ નક્કી કરશે કે એરિયર્સ અને પેન્શન બંને મળશે કે નહીં અને જો મળશે તો કેટલું મળશે.
REWA દ્વારા વડાપ્રધાનને પત્ર અને પેન્શનર્સની માંગ
રીટાયર્ડ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશને (REWA) સપ્ટેમ્બર 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આઠમા પગાર પંચ દાયરામાં નિવૃત્ત થઈ ચૂકેલા કર્મચારીઓને પણ સામેલ કરવાની માંગ કરી હતી. જો પેન્શન સંબંધિત ભલામણો લાગુ થાય છે, તો નિવૃત્ત કર્મચારીઓને વધેલું પેન્શન મળી શકે છે. એસોસિએશને પંચના ટર્મ્સ ઓફ રેફરન્સમાં ફેરફાર કરવાની માંગ કરી છે, જેથી 1 જાન્યુઆરી, 2026 પહેલાં નિવૃત્ત થઈ ચૂકેલા પેન્શનભોગીઓ અને ફેમિલી પેન્શન મેળવનારાઓને પણ પેન્શન સંશોધનની પ્રક્રિયામાં સ્પષ્ટપણે સામેલ કરી શકાય. આ માંગ પાછળ તે પેન્શનર્સની ચિંતા છે, જેમને એ વાતની આશંકા છે કે નિવૃત્તિની તારીખના કારણે તેઓ નવા પગાર પંચના લાભથી વંચિત રહી શકે છે.
અંતિમ નિર્ણય ક્યારે આવશે અને રિપોર્ટમાં વિલંબની આશંકા
આઠમું પગાર પંચ હાલ માત્ર રિપોર્ટ તૈયાર કરવા માટે વિવિધ શહેરોમાં જુદા-જુદા સંગઠનો સાથે બેઠકો યોજી રહ્યું છે અને તેમની સમસ્યાઓ જાણી રહ્યું છે. આ માંગણીઓ અને સમસ્યાઓના આધારે જ પંચ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ તૈયાર કર્યા બાદ તેને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને કેબિનેટ દ્વારા તેના પર વિચારણા કર્યા બાદ જ તેને લાગુ કરવાની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આઠમા પગાર પંચે 18 મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, જેમાંથી 12 મહિના વીતી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. નિષ્ણાતોનું માનવું છે કે પંચ રિપોર્ટ રજૂ કરવામાં થોડો વિલંબ કરી શકે છે.




