AI ના કારણે હજારો નોકરીઓ ખતરામાં! આ દિગ્ગજ કંપની ફરી કરશે 10 હજાર કર્મચારીઓની મહા છટણી, ભારતીય એન્જિનિયરોમાં ફફડાટ

દિગ્ગજ ટૅક્નોલૉજી કંપની ઓરેકલ(Oracle)માં ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની છટણી થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. અહેવાલો મુજબ, કંપની પોતાના વૈશ્વિક વર્કફોર્સમાંથી આશરે 7,000થી 10,000 જેટલી નોકરીઓ ઘટાડવાની યોજના બનાવી રહી છે. કંપની પોતાના ખર્ચમાં કાપ મૂકવા માટે તમામ ટીમોને સૂચના આપી રહી છે, જેના કારણે કોઈ એક ચોક્કસ વિભાગને બદલે અલગ-અલગ ડિપાર્ટમેન્ટ્સમાં નોકરીઓ પર અસર પડી શકે છે.
ભારતીય કર્મચારીઓ પર પણ જોખમ
આ સંભવિત છટણીની સૌથી વધુ અસર ભારતમાં રહેલા ઓરેકલના કર્મચારીઓ પર પડી શકે છે. ઓરેકલ માટે ભારત એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે, જ્યાં એન્જિનિયરિંગ, ક્લાઉડ સર્વિસ, ટૅક્નોલૉજી અને સપોર્ટ ક્ષેત્રે મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે. જોકે, ભારતમાં કેટલા લોકોને અસર થશે તેનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી. કર્મચારીઓમાં એવી ચર્ચા છે કે સપ્ટેમ્બર મહિનામાં જ કંપની આ અંગે નિર્ણય જાહેર કરી શકે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) અને ક્લાઉડ પર વધતું રોકાણ
કંપનીમાં થઈ રહેલા આ ફેરફારો પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો વધતો ઉપયોગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ મુખ્ય કારણો માનવામાં આવે છે. ઓરેકલે તેના વાર્ષિક અહેવાલમાં પણ સ્વીકાર્યું છે કે AI ટૅક્નોલૉજીના વધુ પડતા ઉપયોગને કારણે વર્કફોર્સમાં ઘટાડો થઈ રહ્યો છે. કંપની એક તરફ પોતાના ખર્ચાઓ નિયંત્રણમાં રાખવા માગે છે, તો બીજી તરફ AI અને ડેટા સેન્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અબજો ડૉલરનું રોકાણ કરી રહી છે.
છેલ્લા એક વર્ષમાં 21,000 કર્મચારીઓની છટણી કરી
ઓરેકલમાં છેલ્લા એક વર્ષથી સતત છટણીની પ્રક્રિયા ચાલી રહી છે. મે 2026ના અંત સુધીમાં કંપનીમાં ફૂલ-ટાઇમ કર્મચારીઓની સંખ્યા ઘટીને લગભગ 1,41,000 થઈ ગઈ હતી, જે તેના એક વર્ષ પહેલા આશરે 1,62,000 હતી. આંકડા મુજબ, કંપનીએ છેલ્લા 12 મહિનામાં જ 21,000થી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.
સપ્ટેમ્બર 11ના રોજ ક્વાર્ટરલી પરિણામો
ઓરેકલે આ નવી છટણી અંગે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. જોકે, 11 સપ્ટેમ્બરે કંપનીના ક્વાર્ટરલી પરિણામો જાહેર થવાના છે તે પહેલા જ છટણીના આ અહેવાલોથી કર્મચારીઓમાં અસુરક્ષા અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

