VIDEO: મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં પૂરનો પ્રકોપ, પૂરના કારણે લોકો છત પર આશ્રય લેવા બન્યા મજબૂર!
મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં પૂરનો પ્રકોપ
પૂરના કારણે લોકો છત પર આશ્રય લેવા બન્યા મજબૂર!
વાયુસેના અને SDRF દ્વારા શરૂ કરાયું રેસ્ક્યૂ ઓપરેશન
મધ્ય પ્રદેશના પવિત્ર યાત્રાધામ ચિત્રકૂટમાં સતત ભારે વરસાદને કારણે મંદાકિની નદી ઉફાન પર આવતા પૂરની ભયાનક સ્થિતિ નિર્માણ પામી છે. પૂરના કારણે ચારેય તરફ જળબંબાકારનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદાકિની નદીનું જળસ્તર રેકોર્ડ સ્તરે વધી જતાં નીચાણવાળા રહેણાંક વિસ્તારો, રામઘાટ તેમજ આસપાસના ધાર્મિક સ્થળો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના કારણે અનેક વિસ્તારોમાં બે થી ત્રણ માળ સુધીના મકાનો પાણીમાં ડૂબી ગયા છે, જેને કારણે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક લોકો પોતાના ઘરોની છત પર આશ્રય લેવા મજબૂર બન્યા છે. સવાર થતાં જ સામે આવેલા દ્રશ્યોમાં રસ્તાઓ નદીમાં ફેરવાયેલા જોવા મળ્યા હતા, જ્યારે નયાગાંવ પુલ સહિતના મુખ્ય સંપર્ક માર્ગોને ભારે ક્ષતિ પહોંચતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
પૂરથી ઘેરાયેલા સેંકડો લોકોને બચાવી રાહત શિબિરોમાં ખસેડાયા!
જળસ્તર ઓસર્યા પછી પણ કાદવ-કીચડ વચ્ચે મુશ્કેલીઓ યથાવત!
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને એનડીઆરએફ, એસડીઆરએફ અને વાયુસેનાના હેલિકોપ્ટરો દ્વારા મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. પૂરના પાણીમાં ફસાયેલા સેંકડો લોકોને એરલિફ્ટ કરીને તેમજ બોટ મારફતે બચાવી રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ પણ પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરી રાહત કામગીરીની સમીક્ષા કરી છે અને પીડિતોને તમામ શક્ય સહાયની ખાતરી આપી છે. હાલમાં પાણીના ઓસરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ ઘરો અને શેરીઓમાં કાદવ-કીચડ ભરાઈ જવાને કારણે લોકો માટે મુશ્કેલીઓ યથાવત છે. વહીવટીતંત્ર દ્વારા પીવાના પાણી, મફત રાશન અને તબીબી સેવાઓ પૂરી પાડવા માટે સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. સમગ્ર ચિત્રકૂટ વિસ્તારમાં સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નદી કિનારે ન જવાની કડક અપીલ કરવામાં આવી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

