મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

આ કંપનીએ સેબી પાસે જમા કરાવ્યા ડ્રાફ્ટ પેપર, IPO બહાર પાડવાની કરી તૈયારી

જેએસડબલ્યુ સિમેન્ટ આગામી સમયમાં આઇપીઓની તૈયારી કરી રહી છે. કંપનીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિય

આ કંપનીએ સેબી પાસે જમા કરાવ્યા ડ્રાફ્ટ પેપર, IPO બહાર પાડવાની કરી તૈયારી

જેએસડબલ્યુ  સિમેન્ટ આગામી સમયમાં આઇપીઓની તૈયારી કરી રહી છે. કંપનીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાને તેના આઇપીઓ સંબંધિત દસ્તાવેજો સબમિટ કર્યા છે. માર્કેટ રેગ્યુલેટરને સુપરત કરવામાં આવેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે કંપની આઈપીઓથી લગભગ 4,000 કરોડ રૂપિયા એકત્ર કરશે.

સેબીને મોકલવામાં આવેલા દસ્તાવેજમાં જણાવાયું છે કે કંપની નવા ઈશ્યુ દ્વારા રૂ. 2,000 કરોડ અને વેચાણ માટે ઓફર દ્વારા રૂ. 2,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ગ્રુપે અગાઉ જણાવ્યું હતું કે, તે વર્ષ 2024માં તેના સિમેન્ટ યુનિટનું લિસ્ટીંગ કરાવશે. જૂથે પહેલેથી જ ઊર્જા, બંદરો અને સ્ટીલના વ્યવસાયોને સૂચિબદ્ધ કર્યા છે. જેએસડબલ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર થોડા સમય પહેલા પોર્ટ વર્ટીકલમાં લિસ્ટ થયું હતું.

ગયા વર્ષે ઓગસ્ટમાં પાર્થ જિંદલે 2024 માટે લિસ્ટિંગ પ્લાન શેર કરતી વખતે કહ્યું હતું કે, આઇપીઓમાંથી એકત્ર કરાયેલી મૂડી જૂથને તેના 60 મિલિયન ટન ક્ષમતાના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે. કંપનીએ બિઝનેસની ક્ષમતા ચાર વર્ષમાં ત્રણ ગણી વધારવાની યોજના હેઠળ કામ કરી રહી છે. હાલમાં કંપનીની ક્ષમતા વાર્ષિક 2.06 કરોડ ટન છે, જે વધારીને તે વાર્ષિક 6 કરોડ ટન કરવા માંગે છે.

જેએસડબલ્યુ  સિમેન્ટ હાલમાં દક્ષિણ-પૂર્વ અને પશ્ચિમ ભારતમાં તેની હાજરી ધરાવે છે. આ વર્ષે મે મહિનામાં, કંપનીએ જણાવ્યું હતું કે તેણે રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક નવું સંકલિત સિમેન્ટ ઉત્પાદન એકમ સ્થાપવા માટે આશરે રૂ. 3,000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. આ આઇપીઓ  એવા સમયે આવે છે જ્યારે તેના લિસ્ટેડ સ્પર્ધકો ક્ષમતા વિસ્તારવા અને બજાર હિસ્સો મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. નાણાકીય વર્ષ 2024માં સિમેન્ટના વેચાણમાં 9 ટકાનો વધારો થયો હતો.

આ સમાચાર શેર કરો