TATA Group 500 કરોડનું રાહત ટ્રસ્ટ બનાવશે, એર ઈન્ડિયા પ્લેન ક્રેશ પીડિતોને મળશે મદદ

TATA Group: ટાટા ગૃપે અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં પીડિતોની મદદ માટે રૂપિયા 500 કરોડનું ટ્રસ્ટ બનાવવાની શુક્રવારે જાહેરાત કરી છે. આનું નામ AI-171 મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ હશે. આનાથી પીડિતોને તાત્કાલિક અને લાંબા ગાળાની મદદ મળશે. ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે આ ટ્રસ્ટ માટે 250-250 કરોડ રૂપિયાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ ટ્રસ્ટની મુંબઈમાં જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધણી કરવામાં આવી છે. અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં ગત મહિને 260 કરતાં વધુ લોકોનાં મોત થયા હતા.
ટ્રસ્ટથી કોને મદદ મળશે
મળતી માહિતી અનુસાર, ટાટા સન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ મૃતકોના આશ્રિતો, ઈજાગ્રસ્ત વ્યક્તિઓ અને આ અકસ્માતથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થયેલા તમામ લોકોને તાત્કાલિક અને લાંબા ગાળાની સહાય પૂરી પાડશે. આ ઉપરાંત, ટ્રસ્ટ તે પ્રથમ પ્રતિભાવ આપનારાઓ, તબીબી અને આપત્તિ રાહત કાર્યકરો, સામાજિક કાર્યકરો અને સરકારી કર્મચારીઓને પણ સહાય પૂરી પાડશે જેમણે અકસ્માત પછી નોંધપાત્ર યોગદાન આપ્યું અને સેવા આપી હતી.
ટ્રસ્ટ કેવી રીતે મદદ પહોંચાડશે?
AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટનું સંચાલન 5 સભ્યોના ટ્રસ્ટી બોર્ડ દ્વારા કરવામાં આવશે. ટાટાના ભૂતપૂર્વ અધિકારી એસ પદ્મનાભન અને ટાટા સન્સના જનરલ કાઉન્સેલ સિદ્ધાર્થ શર્માને ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બાકીના ત્રણ ટ્રસ્ટીઓની ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે. ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને રૂપિયા એક કરોડની સહાય પૂરી પાડવાનો, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તબીબી સહાય પૂરી પાડવાનો અને અમદાવાદમાં બી.જે. મેડિકલ કૉલેજના ક્ષતિગ્રસ્ત હૉસ્ટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરી ધબકતું કરવામાં મદદ કરવાનો છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના ગોઝારી ઘટના 12 જૂને થઈ
ટાટા ટ્રસ્ટને સંપૂર્ણ ગંભીરતાથી અમલમાં મૂકવામાં આવશે. તમને જણાવી દઈએ કે, 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ (બોઇંગ 787-8) ટેકઓફ થયાના થોડા સમય પછી એક ઇમારત સાથે અથડાઈ હતી.આ ભયાનક અકસ્માતમાં 260થી વધુ લોકોનાં મોત થયા હતા, જેમાં જમીન પર રહેલા 19 લોકોનો પણ સમાવેશ થાય છે. વિમાનમાં કુલ 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો.

