Morbi Bridge Collapse Case: તત્કાલીન ચીફ ઓફિસર સંદીપ ઝાલા સામે આકરાં પગલાં લેવાયા, 3 વર્ષ આ લાભ નહિ મળે, જાણો

Morbi Bridge Collapse Case : મોરબીમાં ઝૂલતા પુલકાંડમાં 135 નિર્દોષ લોકોનાં મોત નિપજ્યાં હતા. સમગ્ર ઘટના મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને હાઈકોર્ટના કડક વલણ બાદ સરકારે કાર્યવાહી કરી છે. જેમાં મોરબીના તત્કાલીન ચીફ ઓફિસર સંદીપ ઝાલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના તત્કાલીન ચીફ ઓફિસર સંદીપ ઝાલા સામે ગુજરાત સિવિલ સર્વિસ રુલ 1971 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તેમને હાલમાં મળવાપાત્ર પગારધોરણમાં ત્રણ વર્ષ માટે રોક લગાવી દેવામાં આવી છે. સંદીપ ઝાલાના વાર્ષિક ઈજાફા પર રોક લગાવવા માટે GPSCને જાણ કરવામાં આવી છે.
ઝૂલતા પુલકાંડમાં 135 લોકોનાં મોત થયા હતા
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગૃપના જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો. પુલની મજબૂતાઇ ચકાસ્યા વગર ઓરેવા ગૃપ દ્વારા આ બ્રિજને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકી દેવામાં આવતા પુલ ધસી પડ્યો હતો અને આ ઘટનામાં 135 લોકોનાં કરૂણ મોત થયા હતા.

