શતાબ્દી, રાજધાની જેવી ટ્રેનો બંધ થશે, વંદે ભારતને પ્રમોટ કરવા રેલવેની તૈયારી
ટૂંક સમયમાં લાંબા અંતરના પ્રવાસ માટે વંદે ભારત સ્લીપર કોચ એક્સપ્રેસ લોન્ચ થશે. તેની બદલીમાં આઇકોનીક એવી શતાબ્દી એક્સપ્રેસ

ટૂંક સમયમાં લાંબા અંતરના પ્રવાસ માટે વંદે ભારત સ્લીપર કોચ એક્સપ્રેસ લોન્ચ થશે. તેની બદલીમાં આઇકોનીક એવી શતાબ્દી એક્સપ્રેસ અને રાજધાની ટ્રેન બંધ થઇ જાય તેવી શક્યતાઓ હોવાની ચર્ચા રેલ્વેમાં ચાલુ છે.
વંદે ભારત એક્સપ્રેસનું ઉત્પાદન શરૂ
વંદે ભારત એક્સપ્રેસનું ઉત્પાદન ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં ચાલું છે. આ ટ્રેનમાં બિઝનેસ ક્લાસ એરલાઇન્સ જેવી સુવિધાઓ પ્રવાસીઓને મળશે. લક્ઝરી કોચ ધરાવતી ટ્રેન 201 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. રેલ્વેના સૂત્રોએ નવી વંદે ભારત ટૂંક સમયમાં શરૂ થવાની જાણકારી આપી છે પણ સાથે સાથે એવી વાતો પણ ચાલી રહી છે કે નવી વંદે ભારત આવતા જ શતાબ્દી અને રાજધાનીને વિદાય અપાશે. તેમજ વંદે ભારત સેવાઓને વિસ્તારીને તેમને મુંબઇમાં વંદે મેટ્રો પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે.
દરમિયાન એક રેલવે અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે વર્તમાનની વંદે ભારત ટ્રેનો તબક્કાવાર શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે.સૂત્રો મુજબ સ્લીપર કોચવાળી વંદેભારત ટ્રેન હાલની રાજધાની એક્સપ્રેસના પર્યાય તરીકે દોડે તેવી શક્યતાઓ પણ છે.
રાજધાની એક્સપ્રેસ ભારતીય રેલ્વેમાં પ્રીમિયમ સેવા આપતી ટ્રેન છે. જે દેશની રાજધાની વિવિધ રાજ્યોની રાજધાની સાથે જોડે છે. અગાઉ ચેન્નાઇની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાંથી માહિતી મળી હતી કે વંદે ભારત એક્સપ્રેસના ઘણા ટાઇમટેબલ શતાબ્દી એક્સપ્રેસ સાથે સુસંગત છે. ભવિષ્યમાં શતાબ્દીનું સ્થાન વંદે ભારત એક્સપ્રેસ લઇ શકે તેવો સંકેત પણ સૂત્રોએ આપ્યો છે અને અન્ય રૂટ માટે શતાબ્દી એક્સપ્રેસ વાપરવામાં આવી શકે છે.








