Sensex today: ચડાવ-ઉતારની વચ્ચે 64 પોઈન્ટના સુધારા સાથે બંધ થયો સેન્સેક્સ: Nifty 25212 પર બંધ

Sensex today: એશિયન બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે (16 જુલાઈ)ના રોજ અસ્થિર કારોબારમાં લીલા નિશાન પર બંધ થયું. દેશમાં સતત આઠમા મહિને ફુગવામાં ઘટાડો થવાથી બજારમાં સકારાત્મકતા આવી હતી.
જોકે, રોકાણકારો હજુ પણ કંપનીઓના પ્રથમ ક્વાર્ટરના પરિણામો અને ટ્રમ્પ ટેરિફ અંગે ચિત્ર સ્પષ્ટ થવાની રાહ જોઈ રહ્યા છે. પસંદગીની PSU બેંકોના શેરમાં થયેલા વધારાથી પણ બજારને ટેકો મળ્યો.
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ આજે 36.24 પોઈન્ટ અથવા ૦.૦4 ટકા ઘટીને 82,534.66 પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે ઇન્ટ્રા-ડે 82,784 પોઈન્ટની ઊંચી સપાટી અને ઇન્ટ્રા-ડે 82,342.94 પોઈન્ટની નીચી સપાટીને સ્પર્શ્યો. અંતે, તે 63.57 પોઈન્ટ અથવા ૦.૦8% વધીને 82,634.48 પર બંધ થયો.
એ જ રીતે, એનએસઇ નિફ્ટી-50 તેના પાછલા બંધ દર કરતાં 0.80 પોઈન્ટના સહેજ વધારા સાથે 25,196.60 પર ખુલ્યો. દિવસ દરમિયાન, તે 25,255.30 પર પહોંચ્યો. અંતે તે 16.25 પોઈન્ટ અથવા 0.06% વધીને 25,212 પર બંધ થયો.
આ ઉપરાંત, બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.10 ટકાના વધારા સાથે અને બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 0.28 ટકાના સારા વધારા સાથે બંધ થયો.
આ સમયગાળા દરમિયાન, બુધવારે બીએસઇ પર લિસ્ટેડ બધી કંપનીઓનું માર્કેટ કેપ થોડું વધીને રૂ. 461 લાખ કરોડ થયું. જ્યારે પાછલા સત્રમાં તે રૂ. 460.3 લાખ કરોડ હતું.
જિયોજીત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "ભારતની મેક્રોઇકોનોમિક સ્થિતિ મજબૂત છે. આને ઘટી રહેલા ફુગાવા, નીચા વ્યાજ દરો, સારા ચોમાસા અને નરમ તેલના ભાવ દ્વારા સમર્થન મળ્યું છે. સતત આઠ મહિનાથી ફુગાવામાં ઘટાડાએ બજારને મજબૂત બનાવ્યું છે.જોકે, રાહતના આ સમયગાળામાં રોકાણકારો આશાવાદ અને સાવધાનીનું મિશ્રણ બતાવી રહ્યા છે. તેઓ પ્રથમ ક્વાર્ટરના કોર્પોરેટ પરિણામોની રાહ જોઈ રહ્યા છે. પ્રીમિયમ મૂલ્ય બજારમાં કમાણીમાં સુધારો મહત્વપૂર્ણ છે.
તેમણે કહ્યું, "વૈશ્વિક વાતાવરણ પણ મિશ્ર છે. તાંબા પર 50% ટેરિફ લાદવાની જાહેરાતથી ડ્યુટી સંબંધિત ચિંતા વધી ગઈ છે. ઉપરાંત, યુએસમાં ફુગાવાના કારણે, નજીકના ભવિષ્યમાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ છે. આનાથી બજારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે."
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સની કંપનીઓમાં મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા, એસબીઆઇ, ઇન્ફોસિસ, અદાણી પોર્ટ્સ, આઇટીસી, એશિયન પેઇન્ટ્સ, એલ એન્ડ ટી, મારુતિ, એક્સિસ બેન્કના શેરો સુધારા સાથએ બંધ રહ્યા હતાં. બીજી તરફ, શ્રીરામ ફાઇનાન્સ, એટરનલ (ઝોમેટો), જેએસડબ્લ્યુ સ્ટીલ, સિપ્લા, હીરો મોટો, બજાજ ફાઇનાન્સ અને બજાજ ઓટો નિફ્ટીમાં ઘટ્યા હતા. આમાં 1.5 ટકા સુધીનો ઘટાડો થયો. વ્યાપક બજારોમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સે તેનો વધારો ગુમાવ્યો અને લગભગ ફ્લેટ બંધ થયો, 0.01 ટકા વધ્યો. નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ પણ 0.03 ટકાના નજીવા વધારા સાથે બંધ થયો.
નિફ્ટી-50ના ટોપ ગેઇનર્સની વાત કરીએ તો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર ટોચ પર હતો, જેમાં 2.18 ટકાનો વધારો જોવા મળ્યો. આ પછી, વિપ્રોમાં ૨ ટકા, એસબીઆઈમાં 1.87 ટકા, ટેક મહિન્દ્રામાં 1.84 ટકા, નેસ્લે ઇન્ડિયામાં 1.81 ટકાનો વધારો જોવા મળ્યો.
જો આપણે નિફ્ટી-50ના ટોચના લુઝર પર નજર કરીએ તો, શ્રીરામ ફાઇનાન્સને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું, જેમાં 2.36 ટકાનો ઘટાડો થયો. આ પછી, ઇટરનલ 1.54 ટકા, સન ફાર્મા 1.54 ટકા, ટાટા સ્ટીલ 1.06 ટકા અને સિપ્લા 1.૦2 ટકા ઘટ્યા.
સેક્ટરલ મોરચે નિફ્ટી પીએસયુ બેન્ક સૌથી વધારે 1.81 ટકા વધીને બંધ રહ્યો હતો. પીએસયુ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ શેરોમાં, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, કેનેરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, SBI, ઇન્ડિયન બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 1 ટકાથી વધુ વધ્યા હતા.
આ ઉપરાંત, નિફ્ટી મીડિયા અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ અનુક્રમે 1.31% અને 0.63% વધ્યા. આ ઉપરાંત, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 0.54% અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 0.41% ઘટ્યા.
આજે ક્યા શેરોમાં જોવા મળી એક્શન
એફડીઆઇ મર્યાદામાં વધારાના સમાચાર પછી, સરકારી બેંકોમાં ખરીદી જોવા મળી અને નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ 2%ના વધારા સાથે બંધ થયો. નિફ્ટીના સૌથી ઝડપી શેરોમાં એસબીઆઇ ટોચ પર હતું. કંપની રૂ. 25,000 કરોડનો QIP લોન્ચ કરી શકે છે. જીએસટી કાઉન્સિલ દ્વારા કૃષિ ઉપકરણો પર કર ઘટાડાની અપેક્ષાએ મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા 2%ના વધારા સાથે બંધ થયો.
પરિણામો પહેલા વિપ્રો અને ટેક મહિન્દ્રામાં ખરીદી જોવા મળી હતી અને આ બંને શેર 2%ના વધારા સાથે બંધ થયા હતા. શ્રીરામ ફાયનાન્સ 2% ઘટીને બંધ થયો. નબળા પ્રથમ ક્વાર્ટરના પરિણામો પછી એચડીબી ફાઇનાન્સિયલ ઘટ્યો. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્ટિલ 3% ઘટીને બંધ થયો. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ તેના શિખરથી 4% ઘટીને બંધ થયો.
મિડકેપ સેગમેન્ટમાંથી, પેજ ઇન્ડસ્ટ્રીઝ, એમ્બર એન્ટરપ્રાઇઝ, પીબી ફિનટેક અને સિમેન્સ સૌથી વધુ નુકસાનમાં રહ્યા. પતંજલિ ફૂડ્સ સૌથી ઝડપથી વિકસતો સ્ટોક હતો. આ શેર 7%ના વધારા સાથે બંધ થયો. પેટીએમ 2%ના વધારા સાથે બંધ થયો. ડિસેમ્બર 2024 પછી પહેલીવાર આ શેર પ્રતિ શેર રૂ. 1,000ને પાર કરવામાં સફળ રહ્યો. ડિક્સન ટેક્નોલોજીસે 2 ડીલની જાહેરાત કરી, ત્યારબાદ આ શેર 2%ના વધારા સાથે બંધ થયો.
વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?
બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથે પ્રારંભિક વેપાર કરારની જાહેરાત કર્યા પછી એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આ જાહેરાત પછી પ્રાદેશિક સૂચકાંકોમાં નબળાઈ જોવા મળી હતી. સમાચાર લખાઇ હ્યા છે ત્યા સુધીમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.11 ટકા વધ્યો હતો. જ્યારે ટોપિક્સ નકારાત્મક વલણ સાથે સ્થિર રહ્યો હતો. કોસ્પી 0.53 ટકા અને ASX 200 0.73 ટકા નીચે હતો. રોકાણકારો આજે ઇન્ડોનેશિયાની સેન્ટ્રલ બેંકના નીતિગત નિર્ણય પર પણ નજર રાખી રહ્યા છે.
વોલ સ્ટ્રીટ પર, મંગળવારે S&P 500 0.4 ટકા ઘટીને 6,243.76 પર બંધ થયો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 436.36 પોઈન્ટ અથવા 0.98 ટકા ઘટીને 44,023.29 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 0.18 ટકા વધીને 20,677.80 પર બંધ થયો.
નિફ્ટી આઉટલૂક
પીએલ કેપિટલના વાઇસ-પ્રેસિડેન્ટ (ટેકનિકલ રિસર્ચ) વૈશાલીએ જણાવ્યું હતું કે, "25000ની નજીક સપોર્ટ મળ્યા પછી નિફ્ટીએ સારા પુનર્જીવનના સંકેતો દર્શાવ્યા છે અને દૈનિક ચાર્ટ પર ઉચ્ચ બોટમ ફોર્મેશન પેટર્ન બનાવ્યું છે, જે આગામી દિવસોમાં વધુ વધારો થવાની અપેક્ષા રાખે છે."
તેમણે જણાવ્યું હતું કે, 24,900ના સ્તર પર મહત્ત્વપૂર્ણ 50 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે કે ઇએમએ બની છે. એકંદરે લેવાલી કરનારાઓ સકાતાત્મક બન્યા છે. ઓવરઓલ ટ્રેન્ડ ઉપર રહે તેમ, 25500 અને 25700ના ટૂંકા શોર્ટ ટર્મ ટાર્ગેટ સાથે પોઝિટિવ ટ્રેન્ડમાં બદલાવાની અપેક્ષા રાખી શકાય છે. એમાં 24900ના સ્તરે મહત્વપૂર્ણ સપોર્ટ સ્તર છે જેને હવે જાળવવાની જરૂર છે.
ઇન્ડોનેશિયા-અમેરિકા વચ્ચે પ્રારંભિક વેપાર કરાર પર હસ્તાક્ષર
ટ્રમ્પે અમેરિકાની સાથએ સમજૂતિની જાહેરાત કરી છે. આ સમજૂતિ હેઠળ અમેરિકા અને ઇન્ડોનેશિયાથી થતી આયાત પર 19 ટકા ટેરિફ લાગશે. ઉપરાંત, દક્ષિણ-પૂર્વ એશિયાઈ બજારમાં તેની પહોંચ વધશે. ટ્રમ્પે કહ્યું, "અમે કોઈ ટેરિફ ચૂકવીશું નહીં. તેથી તેઓ અમને ઇન્ડોનેશિયા સુધી પહોંચ આપી રહ્યા છે, જે અમને પહેલાં ક્યારેય મળી નથી." તેમણે વધુમાં કહ્યું, "તેઓ 19 ટકા ટેરિફ ચૂકવશે."

