VIDEO: સુરતના વડાપાઉં વાળા અનીલભાઈની પ્રેરણાદાયી સફર: રસ્તા પરથી આલીશાન બંગલા સુધી પહોંચ્યા અનીલભાઈ
અથાક મહેનત અને દ્રઢ સંકલ્પ હોય તો માણસ પોતાના નસીબની રેખાઓ પણ બદલી શકે છે. સુરતના અનીલભાઈની આ કહાણી માત્ર એક સફળતાની વાર્તા નથી, પણ જિંદગીના સંઘર્ષ સામે ક્યારેય હાર ન માનવાની એક પ્રેરણા છે. જે બંગલાની બહાર તે વર્ષો સુધી વડાપાઉંની લારી ચલાવતા હતા, આજે પોતાની મહેનતના દમ પર તે એ જ બંગલાના માલિક બની ગયા છે.
અનીલભાઈ પોતાની આ સફળતાનો શ્રેય પોતે નથી લેતા. તે હાથ જોડીને બધો શ્રેય પોતાની માતાના સંઘર્ષ અને અંબા માના આશીર્વાદને આપે છે. તેમનું કહેવું છે, “આ બંગલો મારું સપનું નહોતું, આ મારી માતા અને ભાઈનું સપનું હતું. મારી માતાના હાથમાં જાદુ છે, મસાલાની જે ખાસ રેસિપી છે, તે આજે પણ તે જ તૈયાર કરે છે. અમે તો માત્ર તેને બનાવીને વેચીએ છીએ.” માખણથી શેકેલું તાજું પાઉં, તીખી લીલી અને લાલ ચટણી, કુરકુરૂં વડું અને સાથે તળેલાં લીલાં મરચાં. આ જ દેશી સ્વાદે સુરતવાસીઓને તેમના ફેન બનાવી દીધા.
મંદિરમાં બૂટ-ચંપલ સાચવ્યા, શાકભાજી વેચ્યા
અનીલભાઈએ જણાવ્યું કે તેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે. વડાપાઉંનો બિઝનેસ શરૂ કરતા પહેલા અનીલભાઈની જિંદગી બિલકુલ અલગ હતી. તેમનો પરિવાર એક મંદિર પાસે આવેલા બોમ્બે કેન્ટીનમાં કામ કરતો હતો. ત્યાં તેઓ ક્યારેક-ક્યારેક મંદિરમાં આવતા લોકોના બૂટ-ચંપલની દેખભાળ પણ કરતા હતા. આ સિવાય તેઓ ત્યાં આવતા શ્રદ્ધાળુઓની ગાડીઓ પાર્ક કરાવવામાં મદદ કરતા હતા. ત્યારબાદ તેમણે ONGCમાં લગભગ 17 મહિના સુધી પટાવાળા (પિયુન) તરીકે નોકરી કરી.
દિવસ દરમિયાન નોકરી, સાંજે વડાપાઉંની લારી
અનીલભાઈના દિલમાં પોતાનું કંઈક કરવાનો જુસ્સો હતો. તેઓ આખો દિવસ ઓફિસમાં પરસેવો પાડતા અને સાંજ પડતાં જ નોકરી પરથી નીકળીને સીધા વડાપાઉંની લારી લગાવવા પહોંચી જતા. વર્ષ 1997માં જ્યારે તેમણે શરૂઆત કરી, ત્યારે એક વડાપાઉં માત્ર ₹2.50માં વેચાતું હતું. તેમણે વડાપાઉં બનાવવાની રેસિપી પોતાની માતા પાસેથી શીખી હતી. તેમની માતા ઘરે જ વડાં બનાવતાં હતાં.
શરૂઆતનો સમય સરળ નહોતો. ફૂટપાથ પર દુકાન લગાવવાના કારણે મહાનગરપાલિકાના અધિકારીઓ અવારનવાર કાર્યવાહી કરતા, સામાન જપ્ત કરી લેવાતો અને ઘણીવાર આંખો સામે બનેલી-બનાવેલી દુકાન સમેટી લેવી પડતી હતી. કોઈ સામાન્ય માણસની હિંમત તૂટી જાય, પરંતુ અનીલભાઈએ દર વખતે નવેસરથી શરૂઆત કરી.
બંગલાની બાજુમાં મળ્યું સરનામું
કેટલાક દિવસો પછી અનીલભાઈએ એક સફેદ બંગલાની કમ્પાઉન્ડ વોલ (દિવાલ) પાસે પોતાની લારી ઊભી રાખી દીધી. આજે તેઓ પોતે એ જ બંગલાના માલિક છે. ખાસ વાત એ છે કે આ જ બંગલામાં રહેતા લોકોને તેઓ ક્યારેક શાકભાજી પણ લાવીને આપતા હતા.
'અમે ગરીબ છીએ...' રોવાનું બંધ કરોટ
અનીલભાઈએ એક સરસ શીખ પણ આપી છે. તેમનું કહેવું છે કે લોકો સતત કહેતા રહે છે, ‘અમે ગરીબ છીએ, અમે ગરીબ છીએ.’ પરંતુ જો કોઈ સખત મહેનત કરે, પછી ભલે તે નાની શરૂઆત કરે કે તેની પાસે બહુ ઓછું હોય, મહેનત તેને આગળ લઈ જ જાય છે. અનીલભાઈની આ અસાધારણ સફર પર નેટીઝન્સ પણ મન મૂકીને પ્રેમ વરસાવી રહ્યા છે. કોઈ લખી રહ્યું છે કે “મહેનત ખરેખર રંગ લાવે છે”, તો કોઈ કહી રહ્યું છે કે “ગુજરાત આવા હિંમતવાન અને હુનરવાળા લોકોની ધરતી છે.”

