સુરતના પલસાણામાં 23 વર્ષીય પરિણીતાએ જીવન ટૂંકાવ્યું; અગાઉ પણ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ, સાસરિયાઓ સામે આરોપ

સુરતના પલસાણા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સપના નીલેશ નિકમ નામની પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, સપનાના માતા-પિતાએ તેના પતિ, સાસુ અને સસરા પર માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે સાસરિયા પક્ષના કથિત ત્રાસથી કંટાળીને સપનાએ આ પગલું ભર્યું હતું.
અગાઉ પણ કર્યો હતો આપઘાતનો પ્રયાસ
પરિવારના જણાવ્યા મુજબ, સપનાએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તેણે ફીનાઇલ પી લીધું હોવાનું જણાવાયું છે. ત્યારબાદ પરિવારજનો અને સાસરિયા પક્ષ વચ્ચે સમાધાન થતાં સમગ્ર મામલો સમજાવટથી થાળે પાડવામાં આવ્યો હતો. મૃતકને અગાઉ માર મારવામાં આવ્યો હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
સપનાના મોત બાદ તેના પરિવારજનોએ સમગ્ર ઘટનાની તપાસની માગ કરી છે. પરિવારનું કહેવું છે કે સપનાએ ખરેખર આપઘાત કર્યો છે કે તેની પાછળ અન્ય કોઈ કારણ છે, તેની પોલીસ દ્વારા યોગ્ય તપાસ થવી જોઈએ.
ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ પરિણીતાના મોતનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે.

