રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: અમેરિકા-યુરોપના ફેમિલી પ્રવાસમાં ₹7 લાખ સુધીનો તોતિંગ વધારો!

Foreign Travel Cost India: દેશનું અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું હોવાની ગુલબાંગો વચ્ચે વાસ્તવિકતામાં છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ વિદેશી ચલણો સામે રૂપિયો ગગડીને તળિયે પહોંચી ગયો છે. જેથી વર્ષ 2021ની સરખામણીએ હાલમાં વિદેશ પ્રવાસ 25થી 30 ટકા જેટલા મોંઘા થઈ ગયા છે. યુએસ, યુકે, યુરોપ, સિંગાપોર જેવા દેશોમાં પ્રવાસ કરવો તો જાણે સામાન્ય પરિવાર માટે સ્વપ્ન સમાન બની રહ્યું છે. જેથી લોકો હવે ભારતની નજીક દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલા વિયેતનામ, મલેશિયા, ઈન્ડોનેશિયા જેવા દેશોના પ્રવાસ તરફ વળવા લાગ્યા છે.
મજબૂત અર્થતંત્રની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા
વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ગવાતા ગાણાં વચ્ચે હકીકતમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય કેટલાય એશિયન અને આફ્રિકન દેશો કરતા પણ ઓછું થઈ રહ્યું છે. વિકસિત દેશોના ચલણોની સામે ભારતીય રૂપિયો રોજ નવા તળિયા શોધી રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં યુએસ ડોલર, યુરો, પાઉન્ડ, સિંગાપોર ડોલર, યુએઈ દિરહામ જેવા વિદેશી ચલણો સામે રૂપિયાનું મૂલ્ય 20થી 30 ટકા જેટલું ઘટી ગયું છે. જેના લીધે વર્ષ 2021ની સરખામણીએ વિદેશ પ્રવાસ હવે 25થી 30 ટકા મોંઘા થઈ ગયા છે. એટલે એક પરિવારના ચાર-પાંચ સભ્યોએ અમેરિકા અને યુરોપમાં પ્રવાસ કરવો હોય તો તેમને 4થી 7 લાખ રૂપિયા, જ્યારે સિંગાપોર, દુબઈના પ્રવાસ માટે દોઢથી બે લાખ વધારે ખર્ચ કરવા પડશે.
વિવિધ ચલણો અને પ્રવાસ ખર્ચમાં ફેરફાર (૨૦૨૧ vs ૨૦૨૬)
| વિગત | સ્થિતિ / વધારો (%) | અસરો |
| રૂપિયાનું મૂલ્ય (ઘટાડો) | ૨૦% થી ૩૦% | યુએસ ડોલર, પાઉન્ડ, યુરો સામે રૂપિયો ગગડ્યો |
| વિદેશ પ્રવાસ ખર્ચ (વધારો) | ૨૫% થી ૩૦% | વર્ષ ૨૦૨૧ ની સરખામણીએ હાલમાં થયેલો વધારો |
| હવાઈ મુસાફરી (ભાડા) | આસમાને | ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને યુદ્ધના કારણે વધારો |
પ્રવાસ ડેસ્ટિનેશન વાઇઝ વધારાનો આર્થિક બોજ (ફેમિલી દીઠ)
| પ્રવાસનું સ્થળ (Destinations) | વધારાનો અંદાજિત ખર્ચ (રૂપિયામાં) | નવો ટ્રેન્ડ / વિકલ્પ |
| અમેરિકા અને યુરોપ (US & Europe) | ₹૪,૦૦,૦૦૦ થી ₹૭,૦૦,૦૦૦ | મોંઘા થવાના કારણે પ્રવાસીઓ અન્ય દેશો તરફ વળ્યા |
| દુબઈ અને સિંગાપોર (Dubai & Singapore) | ₹૧,૫૦,૦૦૦ થી ₹૨,૦૦,૦૦૦ | મધ્યમ વર્ગ માટે બજેટની બહાર જઈ રહ્યા છે |
| દક્ષિણ પૂર્વ એશિયા (SE Asia) | બજેટ ફ્રેન્ડલી (ઓછો ખર્ચ) | વિયેતનામ, મલેશિયા અને ઈન્ડોનેશિયા તરફ લોકો વળ્યા |
હાલ તો યુદ્ધના લીધે વધી રહેલા ક્રૂડ ઓઈલના ભાવને રૂપિયામાં આવેલા કડાકા માટે જવાબદાર ગણાવાય છે. તેમજ હવાઈ મુસાફરીના ભાડા પણ આસમાને પહોંચ્યા છે. પરંતુ આ સ્થિતિ સિવાય પણ વિદેશી નાણાંકીય નીતિઓ અને જે-તે શહેરમાં મોંઘવારીનું સ્તર વિદેશ પ્રવાસના વધતા ખર્ચ માટે કારણભૂત હોઈ શકે છે.

