Indian GDP: પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રમાં ગતિ આવી, પ્રથમ ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.8% રહ્યો; RBIના અંદાજ કરતાં 1.3 ટકા વધુ

Indian GDP: નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં ભારતની અર્થવ્યવસ્થાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શુક્રવારે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન દેશનું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) 7.8 ટકાના દરે વધ્યું છે. આ ગયા નાણાકીય વર્ષના સમાનગાળાના 6.5 ટકાની સરખામણીએ સારો દેખાવ છે. ખાસ વાત એ છે કે આ આંકડો ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) ના 6.5 ટકાના અંદાજ કરતા વધુ છે. આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી તેની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની બેઠકમાં, આરબીઆઇએ પ્રથમ ત્રિમાસિક ગાળા અને સમગ્ર નાણાકીય વર્ષ માટે 6.5 ટકા વૃદ્ધિનો અંદાજ જાળવી રાખ્યો હતો.
માર્ચ ક્વાર્ટરમાં પણ તેજી જોવા મળી હતી
અગાઉ, નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) માં પણ અર્થતંત્રે મજબૂત પ્રદર્શન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, જીડીપીએ 7.4 ટકાનો વાર્ષિક વૃદ્ધિદર નોંધાવ્યો હતો, જે ડિસેમ્બર ક્વાર્ટરના સુધારેલા 6.4 ટકા કરતા વધારે હતો.આ વધારો બજારના ૬.૭ ટકાના અંદાજ કરતાં વધુ હતો અને સમગ્ર નાણાકીય વર્ષમાં સૌથી ઝડપી હતો. આ વધારા પાછળના કારણોમાં ખાદ્ય અને ઊર્જાના ભાવમાં ઘટાડો, વ્યાજ દરમાં નરમાઈ અને રોકાણમાં વધારો હતો. ભારતની નિકાસ પર ઓછી નિર્ભરતાએ તેને વૈશ્વિક વેપાર પડકારોથી પણ સુરક્ષિત રાખ્યું. આ ત્રિમાસિક ગાળામાં કુલ નિશ્ચિત મૂડી નિર્માણમાં 9.4 ટકાનો વધારો થયો, જે લગભગ બે વર્ષમાં સૌથી વધુ હતો. તે જ સમયે, ખાનગી વપરાશમાં પણ 6 ટકાનો વધારો થયો.
નિકાસના સંદર્ભમાં પણ સારા સમાચાર આવ્યા. આ સમયગાળા દરમિયાન, નિકાસમાં 3.9 ટકાનો વધારો થયો હતો, જ્યારે આયાતમાં 12.7 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેની GDP વૃદ્ધિ પર સકારાત્મક અસર પડી હતી. આરબીઆઇએ નાણાકીય વર્ષ 26 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5 ટકા જાળવી રાખ્યો છે. આની પાછળ મજબૂત ઘરેલુ માંગ, સરકારી મૂડીગત ખર્ચ, અને ગ્રામીણ ખપતમાં થયેલો સુધારો જેવા કારણો છે. આરબીઆઇના ત્રિમાસિક અંદાજ નીચે મુજબ છે: નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં 6.5%, બીજા ક્વાર્ટરમાં 6.7%, ત્રીજા ક્વાર્ટરમાં 6.6% અને ચોથા ક્વાર્ટરમાં 6.3%. આખા વર્ષનો વિકાસ દર 6.5% રહેવાનો અંદાજ છે. જીડીપીનું આ પ્રદર્શન દર્શાવે છે કે પડકારો છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત રીતે આગળ વધી રહ્યું છે.

