સોનું-ચાંદીમાં જોરદાર તેજી, MCX પર એક જ દિવસે હજારો રૂપિયાની ઉથલ-પાથલ

વૈશ્વિક બજારના મજબૂત સંકેતો વચ્ચે આજે ઘરેલું વાયદા બજાર (MCX) અને હાજર સર્રાફા બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને MCX પર આજના કારોબાર દરમિયાન બંને કિંમતી ધાતુઓમાં ભારે વોલેટિલિટી અને હજારો રૂપિયાની વધઘટ સાથે જોરદાર તેજીનો માહોલ રહ્યો હતો.
MCX પર સોનાના ભાવમાં રૂ.2,901ની વધઘટ
વાયદા બજાર MCX પર રાત્રે 10:30 વાગ્યે સોનાની કિંમત રૂ. 1,45,966 પર ટ્રેડ થઈ રહી હતી. આજના કારોબારમાં સોનું રૂ. 1,43,882 પર ખૂલ્યા બાદ રૂ. 1,46,666ની ઊંચી સપાટીએ અને રૂ. 1,43,765ની નીચી સપાટીએ પહોંચ્યું હતું. અગાઉના દિવસે સોનું રૂ. 1,44,430 પર બંધ થયું હતું, આમ આજે આખા દિવસના ટ્રેડિંગ દરમિયાન સોનાના ભાવમાં રૂ. 2,901ની મોટી ઉથલ-પાથલ જોવા મળી છે.
MCX પર ચાંદીમાં રૂ.7,000ની તોતિંગ હલચલ
બીજી તરફ MCX પર ચાંદીના ભાવમાં પણ આજે જોરદાર વોલેટિલિટી રહી હતી. રાત્રે 10:30 વાગ્યે ચાંદીનો ભાવ રૂ. 2,33,963 જોવા મળ્યો હતો. ચાંદી આજે રૂ. 2,31,196 પર ઓપન થઈને રૂ. 2,36,575ની હાઈ સપાટી અને રૂ. 2,29,575ની લો સપાટી પર ગઈ હતી. અગાઉના સત્રમાં ચાંદી રૂ. 2,30,384 પર બંધ રહી હતી, જેની સામે આજે આખા દિવસના ટ્રેડિંગ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ. 7,000ની તોતિંગ ઉથલ-પાથલ નોંધાઈ છે.
દિલ્હી સર્રાફા બજારમાં સોનું-ચાંદી પણ મોંઘા થયા
વાયદા બજારની આ તેજીની સીધી અસર હાજર બજાર પર પડી છે. રાજધાની દિલ્હીના ઝવેરી બજારમાં બે દિવસના ઘટાડા બાદ 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 3,000નો મોટો વધારો નોંધાયો છે અને તે રૂ. 1,47,500 પર પહોંચી ગયું છે, જે બુધવારે રૂ. 1,44,500 પર હતું. આ જ રીતે ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ રૂ. 5,000 મોંઘી થઈને રૂ. 2,40,000 પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ હાજર સોનું વધીને 4,070.04 ડોલર અને હાજર ચાંદી 1.3 ટકાની તેજી સાથે 59.89 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી.
કિંમતોમાં ઉથલ-પાથલ વધવાના મુખ્ય કારણો
નિષ્ણાતોના મતે, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કડક વલણ ન અપનાવવાના સંકેતો મળતા બજારને મોટી રાહત મળી છે, જેનાથી વ્યાજદર વહેલા વધવાની આશંકા ઘટી છે. આ સિવાય વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ડોલર નબળો પડવાને કારણે રોકાણકારોએ સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વલણ વધાર્યું છે, જ્યારે ઔદ્યોગિક અને રોકાણની મજબૂત માંગને કારણે ચાંદીના ભાવને પણ સતત ટેકો મળી રહ્યો છે.

