EPFOના નિયમોમાં મોટો ફેરફાર: હવે ખાનગી ક્ષેત્રમાં બદલાશે સેલરી સ્ટ્રક્ચર, જાણો તમારા પગાર પર શું થશે અસર

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા પીએફ (PF)ના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ, હવે દર મહિને વધુમાં વધુ 15,000 રૂપિયાની પગાર મર્યાદા સુધી જ 12% પીએફ કાપવો ફરજિયાત રહેશે. તેનો અર્થ એ કે જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 1 લાખ રૂપિયા કે તેથી વધુ હોય, તો પણ કંપની અને કર્મચારી બંનેના હિસ્સામાંથી નિયમ મુજબ 1,800-1,800 રૂપિયા જ પીએફ ખાતામાં જમા થશે. જોકે, આ કાનૂની મર્યાદાથી વધુ રકમ પીએફમાં જમા કરાવવી કે નહીં, તે સંપૂર્ણપણે કર્મચારીની ઈચ્છા પર નિર્ભર રહેશે અને તેઓ પોતાની બાકીની સેલરીમાંથી નિવૃત્તિ સમયની બચત માટે વધારાનું રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કરી શકશે.
શું છે નવી સ્કીમની જોગવાઈઓ?
નવી સ્કીમ 'એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ્સ સ્કીમ, 2026' ના નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી ઈચ્છે તો તે 15,000 રૂપિયાની કાનૂની મર્યાદા કરતાં વધુ પગાર પર પણ પોતાની મરજીથી વધારાનું પીએફ યોગદાન (સ્વૈચ્છિક યોગદાન) આપી શકે છે. કર્મચારીના આ પગલા સામે કંપની (માલિક) પાસે પણ એટલું જ વધારાનું યોગદાન આપવાનો વિકલ્પ રહેશે, પરંતુ કંપની માટે આવું કરવું બિલકુલ ફરજિયાત નથી. આ નિયમની સૌથી મોટી ખાસિયત એ છે કે કર્મચારી અને કંપની બંને પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે આ વધારાના પીએફ યોગદાનની રકમને ઘટાડી શકે છે અથવા તો તેને સંપૂર્ણપણે બંધ પણ કરી શકે છે.
પૈસા ઉપાડવાની પ્રક્રિયા થઈ સરળ, 13ના બદલે માત્ર 3 જ કેટેગરી
EPFOએ સભ્યોને રાહત આપતા પીએફના પૈસા ઉપાડવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે. અગાઉ પૈસા ઉપાડવા માટે અલગ-અલગ 13 કેટેગરીઓ હતી, જેને હવે ઘટાડીને માત્ર 3 જ કરી દેવામાં આવી છે. આ ત્રણ કેટેગરીમાં: તાકીદની જરૂરિયાતો (જેમ કે બીમારી, ભણતર અને લગ્ન), ઘર સંબંધિત જરૂરિયાતો અને ખાસ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નવી સ્કીમમાં લાવવામાં આવેલી ફ્લેક્સિબિલિટીનો મુખ્ય હેતુ કર્મચારીઓને તેમની નિવૃત્તિ બચત સંભાળવા માટે વધુ આઝાદી આપવાનો છે. આ તમામ જોગવાઈઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકોમાં વિગતવાર ચર્ચા અને મંજૂરી બાદ નવા લેબર કોડના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
ખાનગી ક્ષેત્રમાં બદલાઈ શકે છે સેલરી સ્ટ્રક્ચર
પ્રાઇવેટ સેક્ટરમાં મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને 'કોસ્ટ-ટુ-કંપની' (CTC) મોડલ પર પગાર આપતી હોવાથી, પીએફના આ નવા ફેરફારને કારણે હવે કંપનીઓ કર્મચારીઓનું સેલરી સ્ટ્રક્ચર બદલી શકે છે. આ બદલાવથી કંપની અને કર્મચારી બંને પરસ્પર સહમતિથી સેલરીનું એક એવું નવું માળખું ગોઠવી શકશે, જે પીએફ સભ્યો માટે વધુ ફાયદાકારક સાબિત થાય. જોકે, આ નવી સ્કીમમાં પણ મેમ્બરશિપ ચાલુ રાખવાની સ્પષ્ટ જોગવાઈ છે, એટલે કે પીએફ કવરેજના નિયમો પહેલા જેવા જ રહેશે અને જે કર્મચારીઓ જૂની સ્કીમના સભ્યો હતા તેઓ આ નવી સ્કીમમાં પણ સભ્યો તરીકે ચાલુ જ રહેશે.
100% સુધી એડવાન્સ વિડ્રોઅલની મંજૂરી, પરંતુ મિનિમમ બેલેન્સ રાખવું પડશે
નવા નિયમો હેઠળ EPFOએ પીએફ સભ્યોને મોટી રાહત આપતા ખાતામાં જમા થયેલી કુલ રકમના (જેમાં કર્મચારી અને કંપની બંનેનો ભાગ સામેલ હોય છે) 100% સુધીની રકમ એડવાન્સ તરીકે ઉપાડવાની મંજૂરી આપી દીધી છે. જોકે, આ સુવિધા સાથે એક શરત પણ રાખવામાં આવી છે કે, કર્મચારીઓ પોતાના ખાતામાંથી પૂરેપૂરી રકમ ઉપાડી નહીં શકે. સભ્યોએ પોતાના પીએફ ખાતામાં કુલ જમા રકમના ઓછામાં ઓછા 25% હિસ્સો મિનિમમ બેલેન્સ તરીકે જાળવી રાખવો ફરજિયાત રહેશે, જેથી તેમની નિવૃત્તિ સમયની બચત સુરક્ષિત રહી શકે.
કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે પ્રિન્સિપલ એમ્પ્લોયર જવાબદાર
કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે આ સ્કીમમાં 'પ્રિન્સિપલ એમ્પ્લોયર' (મુખ્ય નિયુક્તા)ની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે. જે મુજબ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પીએફ કોન્ટ્રિબ્યુશનને સુનિશ્ચિત કરવાની જવાબદારી મુખ્ય કંપનીની રહેશે. જો કોન્ટ્રાક્ટર અલગથી રજિસ્ટર્ડ ન હોય, તો તેવા સંજોગોમાં કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલા કર્મચારીઓના પીએફની ચૂકવણી કરવાની સીધી જવાબદારી પ્રિન્સિપલ એમ્પ્લોયરની રહેશે.
કંપનીઓએ 15 દિવસમાં ફાઈલ કરવું પડશે કમ્બાઈન્ડ રિટર્ન
નવી સ્કીમ હેઠળ એમ્પ્લોયર્સ માટે નિયમોનું પાલન અને ફાઇલિંગ પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે. દરેક એમ્પ્લોયર માટે હવે એ જરૂરી રહેશે કે સ્કીમ લાગુ થયાના 15 દિવસની અંદર 'ફોર્મ V' (Form V)માં એક કમ્બાઈન્ડ રિટર્ન ફાઈલ કરે. આ રિટર્નમાં કંપનીના તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે, જેમાં કર્મચારીઓનું આધાર, પેન (PAN), યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), ગ્રોસ વેજ અને ઈપીએફ વેજ જેવી મહત્ત્વની માહિતીઓ સબમિટ કરવી ફરજિયાત રહેશે.

