કેન્સરની દવા થશે સસ્તી, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયા આ મહત્ત્વના નિર્ણયો
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની 54મી બેઠક સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારણના અધ્યક્ષતામાં મળી હ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની 54મી બેઠક સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારણના અધ્યક્ષતામાં મળી હતી. કાઉન્સિલની બેઠકમાં કેન્સરની દવા પર જીએસએટી ઘટાડવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે નીચે પ્રમાણે છે.
કેન્સરની દવા સસ્તી થશે
જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેન્સરની દવા પર ટેક્સ ઘટાડી મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે કેન્સરની દવા પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવ્યો છે. પરિણામે કેન્સરની સારવારનો ખર્ચ ઓછો થશે.
નમકીન સસ્તા થશે
આ ઉપરાંત GST કાઉન્સિલે નમકીન પર ટેક્સ 18% થી ઘટાડીને 12% કરવાનો નિર્ણય લીધો છે.
GST દરો વ્યાજબી કરવા અંગે બેઠક મળશે
GST કાઉન્સિલની આજે મળેલી બેઠક દરમિયાન, મંત્રીઓના જૂથે (GoM). GST દરો વ્યાજબી કરવા અંગે તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. નાણામંત્રી સીતારમણે કહ્યું કે આ અંગે ચર્ચા કરવા માટે 23 સપ્ટેમ્બરે GOMની બેઠક થશે.
વિદેશી એરલાઇન્સ માટે રાહત
GST કાઉન્સિલે વિદેશી એરલાઇન કંપનીઓને સેવાઓની આયાતમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો.
વ્યાપારની મિલકત ભાડે આપવી
GST પેનલે રેવન્યુ લીકેજને રોકવા માટે રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) હેઠળ નોંધણી વગરની વ્યક્તિ દ્વારા વાણિજ્યિક મિલકતને રજિસ્ટર્ડ વ્યક્તિને ભાડે આપવાનું પણ નક્કી કર્યું છે.
ઓનલાઈન ગેમિંગ આવકમાં 412 ટકાનો ઉછાળો
જુલાઈ 2023માં GST કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર સટ્ટાબાજી પરના GST દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યા હતા. 1 ઓક્ટોબર, 2023થી ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ બેટ્સ પર 28 ટકા GST લેવામાં આવી રહ્યો છે. ઓનલાઈન ગેમિંગથી ટેક્સમાં 412 ટકાનો વધારો થયો છે.
ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર ટેક્સ ઓછો કરાશે
GST કાઉન્સિલની બેઠકમાં હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતાં GST દરને ઘટાડવા પર વ્યાપક રૂપથી સહમતી બની ગઈ છે. જોકે હજુ સુધી અંતિમ નિર્ણય લઈ શકાયો નથી. હવે નવેમ્બર મહિનામાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે.
IGST પર ચર્ચા
નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST) બેલેન્સ સંબંધિત મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી હતી.
GST પેનલે મહેસૂલના અધિક સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની સ્થાપના કરવાનું નક્કી કર્યું, જે નકારાત્મક IGST સંતુલનને સંબોધિત કરશે અને રાજ્યોને વિતરિત વધારાના IGSTને ફરીથી મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ધાર્મિક યાત્રા કરતાં લોકોને રાહત
આ બેઠકમાં ધાર્મિક યાત્રા કરતાં લોકોને પણ રાહત આપવામાં આવી છે. ધાર્મિક યાત્રામાં હેલિકોપ્ટરથી દર્શન કરવા પર 18 ટકા GST લાગતો હતો જે ઘટાડીને હવે પાંચ ટકા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે કેદારનાથ બદ્રીનાથ સહિતના અનેક મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે પગપાળાની જગ્યાએ હેલિકોપ્ટરથી દર્શન કરવા જવાનું પસંદ કરે છે.
બિઝનેસ ટુ કસ્ટમર GST ઇન્વોઇસિંગ શરૂ થશે
જીએસટી કાઉન્સિલે બિઝનેસ ટુ કસ્ટમર GST ઇન્વોઇસિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. GST ઇન્વોઇસ મેનેજમેન્ટની આ નવી સિસ્ટમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.








