ટેરિફ હુમલાથી ટ્રમ્પના સમર્થક અબજપતિઓ પણ હચમચી ગયા, અબજોનું નુકસાન, જાણો કોની સંપત્તિમાં સૌથી વધુ ઘટાડો થયો
ટ્રમ્પના ટેરિફ હુમલાથી વિશ્વભરના બજારો તેમજ અબજોપતિઓને મોટો ફટકો પડ્યો છ

ટ્રમ્પના ટેરિફ હુમલાથી વિશ્વભરના બજારો તેમજ અબજોપતિઓને મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પને પ્રમુખપદની ચૂંટણીમાં જંગી સમર્થન આપનારા ટેક અબજપતિઓને જબરદસ્ત ફટકો પડયો છે. તેમા ટ્રમ્પના પ્રબળ સમર્થક એલોન મસ્ક પણ બાકાત નથી. ટ્રમ્પને લાખો ડોલરનું દાન આપનારા ટેકનોલોજીના આ મહારથીઓએ હવે અબજો ડોલર ગુમાવવાના આવ્યા છે. અમેરિકન શેરબજારે ટ્રમ્પના લિબરેશન ડેના એજન્ડાની આપેલી પ્રતિક્રિયાના પગલે શેરોમાં કડાકો બોલ્યો છે.
ડાઉ જોન્સ સળંગ બીજા દિવસે 2 હજાર પોઇન્ટથી વધુ ખાબક્યો છે. ક્રૂડ ઓઇલ 60 ડોલરની નજીક પહોંચી ગયું છે. ફક્ત અમેરિકા જ નહીં વૈશ્વિક મંદીના ડાકલા વાગવા લાગ્યા છે.
અમેરિકન શેરબજારમાં મેટાનો શેર લગભગ નવ ટકા નીચે હતો. એમેઝોન પણ તેટલો જ નીચે હતો. ગૂગલ 3.92 ટકા ઘટયો હતો, એપલ પણ નવ ટકા ઘટયો હતો. ટેસ્લાના શેરમાં 5.47 ટકા અને એક્સમાં 8.14 ટકાનો ઘટાડો થયો હતો.
સૌથી મોટું આશ્ચર્ય તો મસ્કનું છે. ટ્રમ્પના પ્રબળ સમર્થક મનાતા મસ્કની સંપત્તિમાં વધારો થશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ ટ્રમ્પના આવ્યાને ત્રણ મહિના થવા આવ્યા, પણ આટલા સમયમાં તો મસ્કની સંપત્તિમાં 100 અબજ ડોલરનું ધોવાણ થયું છે. આ જોતાં લાગે છે કે ક્યાંક ટ્રમ્પને સમર્થન કરીને મસ્કને પસ્તાવવાના દિવસ ન આવે.
ટ્રમ્પના ટેરિફ હુમલાથી વિશ્વના ટોચના 20 ધનિક લોકો એટલા ખરાબ રીતે પ્રભાવિત થયા કે દરેકની સંપત્તિમાં ભારે ઘટાડો થયો. ટ્રમ્પના નજીકના મિત્ર એલોન મસ્ક હોય કે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ, બધા ટ્રમ્પના ટેરિફ હુમલાથી ખૂબ જ દુઃખી થયા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં વિશ્વના ટોચના 20 ધનિકોની સંપત્તિમાં ઘટાડો
ધનિકોનો ટ્રેક રાખતી વેબસાઇટ બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં વિશ્વના ટોચના 20 ધનિકોની સંપત્તિમાં ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, 13 વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે વિશ્વના ટોચના અમીરોને આટલું મોટું નુકસાન થયું છે. આ પહેલા પણ કોરોના દરમિયાન ઘણું નુકસાન થયું છે. માહિતી અનુસાર, દરેક ધનિક વ્યક્તિને સરેરાશ 3.3 ટકાનું નુકસાન થયું છે.
કોને કેટલું નુકસાન થયું?
વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સમાવિષ્ટ અબજોપતિઓની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે. એલોન મસ્કથી લઈને બિલ ગેટ્સ અને મુકેશ અંબાણી સુધી, દરેકની નેટવર્થમાં ઘટાડો થયો છે. સૌથી વધુ નુકસાન ટ્રમ્પના નજીકના મિત્ર એલોન મસ્કને થયું છે, ત્યારબાદ વોરેન બફેટ અને લેરી એલિસનનો નંબર આવે છે. સતત બીજા દિવસે, 24 કલાકમાં તેમની સંપત્તિમાં 10 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે.
- માર્ક ઝુકરબર્ગને સૌથી વધુ નુકસાન થયું. તેમની સંપત્તિમાં 9.44 બિલિયન ડોલરનો ઘટાડો થયો. મેટાના શેર પહેલા ઝડપથી વધી રહ્યા હતા, પરંતુ ફેબ્રુઆરીના મધ્યભાગથી તેમાં 28 ટકાનો ઘટાડો થયો છે.
- એમેઝોનના શેરમાં પણ 9 ટકાનો ઘટાડો થયો. એપ્રિલ 2022 પછી પહેલી વાર આવું બન્યું. આના કારણે જેફ બેઝોસની સંપત્તિમાં $7.59 બિલિયનનો ઘટાડો થયો.
- ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને પણ $19.9 બિલિયનનું નુકસાન થયું.
- LVMH ના બર્નાર્ડ આર્નોલ્ટે $6 બિલિયન ગુમાવ્યા. આવું એટલા માટે થયું કારણ કે યુરોપિયન યુનિયન (EU) એ 20 ટકા ટેક્સ લાદવાની વાત કરી હતી.
- હુઆલી ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ કંપનીના સ્થાપક ઝાંગ કોંગ્યુઆનને $1.2 બિલિયનનું નુકસાન થયું. આવું એટલા માટે થયું કારણ કે ટ્રમ્પે ચીનથી આવતા માલ પર 34 ટકા ટેક્સ લાદ્યો હતો.
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પણ છેલ્લા 24 કલાકમાં નુકસાન થયું છે. તેમની સંપત્તિમાં લગભગ $3 બિલિયનનો ઘટાડો થયો છે.








