VIDEO: ઇથોનોલની અસરથી ઈંડા મોંઘા, હવે ચિકનના ભાવમાં પણ મોટો ઉછાળો આવશે?
દેશમાં Ethanolના વધતા ઉત્પાદનની અસર હવે પોલ્ટ્રી ઉદ્યોગ (Poultry Industry) પર પણ જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષમાં ઈંડાના ભાવમાં આશરે 35થી 40 ટકાનો વધારો થયો છે. હાલ પોલ્ટ્રી ફાર્મમાંથી એક ઈંડું લગભગ ₹7માં વેચાઈ રહ્યું છે, જ્યારે રિટેલ માર્કેટ (Retail Market)માં તેની કિંમત ₹8.50થી ₹9 સુધી પહોંચી ગઈ છે.
પોલ્ટ્રી ઉદ્યોગના જાણકારોના જણાવ્યા અનુસાર ઈંડાના ભાવ વધવાનું એક મુખ્ય કારણ મકાઈ (Maize)ના વધેલા ભાવ છે. મકાઈનો ઉપયોગ મરઘીઓના દાણા એટલે કે પોલ્ટ્રી ફીડ (Poultry Feed)માં મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ હવે મકાઈનો એક મોટો હિસ્સો Ethanol બનાવવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. તેના કારણે પોલ્ટ્રી ફીડની કિંમત વધી છે અને તેની સીધી અસર ઈંડાના ઉત્પાદન ખર્ચ પર પડી રહી છે.
મકાઈના ભાવમાં મોટો વધારો
આંકડા મુજબ ત્રણ વર્ષ પહેલાં મકાઈનો ભાવ આશરે ₹14,000 પ્રતિ ટન હતો, જે હવે વધીને લગભગ ₹26,500 પ્રતિ ટન થઈ ગયો છે. છેલ્લા પાંચ મહિનામાં જ મકાઈના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો નોંધાયો છે.
પોલ્ટ્રી ખેડૂતો માટે મકાઈ સૌથી મોટો ખર્ચ છે અને કુલ ઉત્પાદન ખર્ચમાં તેનો હિસ્સો આશરે 65થી 70 ટકા સુધી હોય છે. તેથી મકાઈ મોંઘી થતાં ઈંડા અને ચિકન બંનેના ઉત્પાદન ખર્ચ પર સીધી અસર પડે છે.
Ethanol માટે મકાઈનો વધતો ઉપયોગ
સરકારી આંકડા અનુસાર ભારતમાં મકાઈનું કુલ ઉત્પાદન આશરે 43.4 મિલિયન ટન છે, જેમાંથી લગભગ 17 મિલિયન ટન મકાઈ હવે Ethanol ઉત્પાદન (Ethanol Production)માં વપરાય છે. વર્ષ 2022માં મકાઈમાંથી લગભગ 1 મિલિયન ટન એથેનોલ બનતું હતું, જે 2024માં વધીને 6 મિલિયન ટન અને હવે 17 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે.
ભારતના પેટ્રોલમાં 20 ટકા સુધી Ethanol મિશ્રણ (Ethanol Blending)ના લક્ષ્યને કારણે મકાઈની માંગમાં વધારો થયો છે. આ સ્થિતિમાં પોલ્ટ્રી ઉદ્યોગને મકાઈ માટે એથેનોલ ઉદ્યોગ સાથે સ્પર્ધા કરવી પડી રહી છે.
શું ચિકન પણ મોંઘું થશે?
નિષ્ણાતોના મતે જો મકાઈ અને સોયાબીનના ભાવમાં વધારો ચાલુ રહેશે તો આગામી સમયમાં તેની અસર ચિકનના ભાવ પર પણ પડી શકે છે. ખાસ કરીને શિયાળામાં ઈંડાની માંગ વધતી હોવાથી ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે.
જોકે, ઈંડાના ભાવ વધવા પાછળ માત્ર Ethanol જવાબદાર નથી. ગરમીનો તણાવ (Heat Stress), મરઘીઓમાં મૃત્યુદર, હવામાનમાં ફેરફાર અને આયાતી ચારા (Imported Feed)ની કિંમત પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વધતી સ્થાનિક માંગને કારણે ભારત હવે મકાઈની આયાત (Import) પણ કરી રહ્યું છે.

