પેન્શનરો માટે મોટી લોટરી! 8મા પગાર પંચમાં બદલાશે 39 વર્ષ જૂનો નિયમ? સીધો ₹6.75 લાખનો ફાયદો!

કેન્દ્ર સરકારના પેન્શનરો 8મા પગાર પંચ (8th Pay Commission) હેઠળ પેન્શન નિયમોમાં એક મહત્ત્વપૂર્ણ અને મોટા ફેરફારની માગ કરી રહ્યા છે. હાલના નિયમો મુજબ, સરકારી કર્મચારીઓ નિવૃત્તિ સમયે પોતાની બેસિક પેન્શનમાંથી 40% સુધીની રકમ એક સાથે (કમ્યુટેડ પેન્શન) ઉપાડી શકે છે. આ રકમની ભરપાઈ કરવા માટે દર મહિને પેન્શનમાંથી ચોક્કસ ભાગ કાપવામાં આવે છે અને 15 વર્ષ પૂર્ણ થયા પછી જ પૂરું પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવે છે. હવે વિવિધ કર્મચારી અને પેન્શનર સંગઠનો આ 15 વર્ષના સમયગાળાને ઘટાડીને 11 થી 12 વર્ષ કરવાની રજૂઆત કરી રહ્યા છે.
39 વર્ષ જૂના નિયમો બદલવાની કેમ ઊભી થઈ જરૂરિયાત?
પેન્શનર સંગઠનોનો તર્ક છે કે 15 વર્ષ સુધી પેન્શન કાપવાનો વર્તમાન નિયમ લગભગ 39 વર્ષ પહેલાં નક્કી કરાયેલા નાણાકીય અને વિમા ક્ષેત્રના માપદંદો પર આધારિત હતો. તે સમયે વ્યાજ દર, સરેરાશ આયુષ્ય અને ફુગાવાની સ્થિતિ તદ્દન અલગ હતી. નાણાકીય ગણતરીઓ દર્શાવે છે કે કમ્યુટેશન હેઠળ મળતી રકમની સંપૂર્ણ વસૂલાત સરકારને 10 થી 11 વર્ષના સમયગાળામાં જ થઈ જાય છે. આ સંજોગોમાં 10 થી 11 વર્ષ પછી પણ વધુ 4 થી 5 વર્ષ સુધી પેન્શનરોનું પેન્શન કાપવું યોગ્ય નથી.
11 વર્ષની સમયમર્યાદા થાય તો પેન્શનરોને કેટલો આર્થિક લાભ?
જો 8મા પગાર પંચમાં આ માગ સ્વીકારી લેવામાં આવે અને સમયમર્યાદા 15 વર્ષથી ઘટાડીને 11 વર્ષ કરી દેવામાં આવે, તો પેન્શનરોને 4 વર્ષ વહેલું પૂરું પેન્શન મળવાનું શરૂ થઈ જશે. એક ગણતરી મુજબ, જો કોઈ કર્મચારીનું બેસિક પેન્શન રૂ. 35,000 હોય તો તેને 4 વર્ષ વહેલા દર મહિને રૂ. 14,000 વધારાનું પેન્શન મળવા લાગશે. આ રીતે પેન્શનરને આ 4 વર્ષ દરમિયાન કુલ રૂ. 6.75 લાખનો જંગી નાણાકીય ફાયદો થઈ શકે છે.
નિયમ 10A હેઠળ સમીક્ષા કરીને ઝડપી નિર્ણય લેવા અપીલ
સરકારી કર્મચારીઓ અને પેન્શનર સંઘો દ્વારા નિયમ 10A હેઠળ આ બાબતની પુનઃસમીક્ષા કરવા અને 8મા પગાર પંચના અહેવાલમાં આ ફેરફારને સમાવવાની ભારપૂર્વક માગણી કરાઈ છે. આ નિર્ણયથી દેશના લાખો કેન્દ્રીય પેન્શનરોને વૃદ્ધાવસ્થામાં મોટી નાણાકીય રાહત મળશે અને તેમનું જીવનધોરણ સુધરશે.

