Gujarat સરકારના કર્મચારીઓ-પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, જાણો ક્યારથી મળશે લાભ અને એરિયર્સની ગણતરી?

કેન્દ્ર સરકારના પગલે હવે ગુજરાત સરકારે પણ રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી જેવો માહોલ સર્જ્યો છે. રાજ્યના નાણા વિભાગે મોંઘવારી ભથ્થા (DA) માં 2% વધારાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે જ હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 58% થી વધીને 60% થઈ ગયું છે.
કેન્દ્ર બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
નોંધનીય છે કે, 18 એપ્રિલ 2026ના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે DAમાં 2% વધારો કરવાની મંજૂરી આપી હતી. કેન્દ્રના આ નિર્ણયને અનુસરીને ગુજરાત સરકારે પણ ત્વરિત અમલ કરતા રાજ્યના કર્મચારીઓના હિતમાં આ જાહેરાત કરી છે.
ક્યારથી મળશે લાભ અને એરિયર્સની ગણતરી?
આ વધારો 1 જાન્યુઆરી, 2026 ની અસરથી લાગુ ગણવામાં આવશે. વધારાનું ભથ્થું મે-2026 ના પગાર સાથે ચૂકવવામાં આવશે. એરિયર્સ એટલે કે તફાવતની રકમ જાન્યુઆરીથી એપ્રિલ સુધીના કુલ 4 મહિનાના તફાવતની રકમ મે માસના પગાર સાથે (જે જૂન-2026માં હાથમાં આવશે) રોકડમાં ચૂકવવામાં આવશે.
કોને કોને થશે આ નિર્ણયનો લાભ?
સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજે લાખો પરિવારોને આર્થિક ફાયદો થશે, જેમાં સાતમા પગારપંચ હેઠળ આવતા તમામ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયત વિભાગના કર્મચારીઓ, ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ, અખિલ ભારતીય સેવા (IAS)ના અધિકારીઓ અને રાજ્ય સરકારના તમામ પેન્શનરોને લાભ થશે.
મોંઘવારી વચ્ચે મોટી રાહત
છેલ્લા કેટલાક સમયથી વધતી જતી મોંઘવારી વચ્ચે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનરોની પેન્શનની રકમમાં સીધો વધારો જોવા મળશે. કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે હવે DAનો દર 60% પર પહોંચતા સરકારી આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

