VIDEO: શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ ૧૫૦૦થી વધુ પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૭ લાખ કરોડ સ્વાહા
વૈશ્વિક બજારોમાં નકારાત્મક સંકેતો અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે આજે ભારતીય શેરબજારમાં (Share Market) ભારે કડાકો જોવા મળ્યો છે. સવારથી જ શરૂ થયેલો ઘટાડો બપોર સુધીમાં લોહીની નદીઓમાં ફેરવાઈ ગયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) ૧૫૧૨ પોઇન્ટનો મોટો ગોથો ખાઈને ૭૬,૬૬૮ ના સ્તર પર આવી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) ૪૬૨ પોઇન્ટ ગગડીને ૨૩,૯૩૬ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજારમાં આવેલા આ ધરખમ ઘટાડાને કારણે રોકાણકારોએ (Investors) એક જ દિવસમાં આશરે ૭ લાખ કરોડ રૂપિયાથી વધુ ગુમાવ્યા છે.
બજારમાં અચાનક કેમ આવી સુનામી?
શેરબજારમાં આ મોટા કડાકા પાછળ અમેરિકા અને ઈરાન (US-Iran Tension) વચ્ચે વધતો સૈન્ય તણાવ અને ગ્લોબલ માર્કેટની (Global Market) નબળાઈ મુખ્ય કારણ છે. અમેરિકી સેનાએ ઈરાનમાં ૮૦થી વધુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેના જવાબમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે બહેરીન અને કુવૈતમાં અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત અમેરિકાએ ઈરાની તેલના વેચાણ પરની છૂટછાટો તાત્કાલિક અસરથી રદ કરી દેતા બ્રેન્ટ ક્રૂડ ઓઇલના (Brent Crude Oil) ભાવ ૨.૨% વધીને ૭૫.૮૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. ભારત ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભર હોવાથી મોંઘા તેલને કારણે દેશના આયાત બિલ અને ફુગાવો (Inflation) વધવાની ચિંતા વધી ગઈ છે.
વૈશ્વિક બજારોની પણ માઠી દશા
આ તણાવની સીધી અસર ગ્લોબલ માર્કેટ્સ પર જોવા મળી હતી. દક્ષિણ કોરિયાનો કોસ્પી (KOSPI) ઇન્ડેક્સ ૫% થી વધુ તૂટીને ટેકનિકલ મંદીમાં પ્રવેશી ગયો છે, જે તેના જૂનના રેકોર્ડ હાઈથી ૨૦% નીચે છે. આઇટી અને એઆઈ (AI) સંબંધિત શેરોમાંથી રોકાણકારોએ મોટાપાયે પ્રોફિટ બુકિંગ (Profit Booking) કર્યું છે. અમેરિકાના એસએન્ડપી ૫૦૦ (S&P 500) અને નેસ્ડેક (Nasdaq) ફ્યુચર્સમાં પણ ઘટાડો ચાલુ રહ્યો હતો. જોકે, આ મંદીની વચ્ચે હોંગકોંગમાં અલીબાબાના (Alibaba) શેરમાં ૧૧.૫% નો ઉછાળો નોંધાયો હતો.
ટોપ લૂઝર્સ અને માર્કેટ અપડેટ
આજના કારોબારમાં આઈટીસી (ITC), મારુતિ (Maruti) અને એશિયન પેઇન્ટ્સ (Asian Paints) ૨ ટકાથી વધુ તૂટીને ટોપ લૂઝર્સ (Top Losers) સાબિત થયા હતા. આ સિવાય ઇન્ડિગો, બજાજ ફાઇનાન્સ અને રિલાયન્સ જેવા હેવીવેઇટ શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ, માર્કેટના આ ઘટાડામાં પણ સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને ટેક મહિન્દ્રા જેવા જૂજ શેરો લીલા નિશાન પર (Top Gainers) ટ્રેડ થઈ રહ્યા હતા. કોમોડિટી માર્કેટની વાત કરીએ તો મજબૂત ડોલરને કારણે સોના અને ચાંદીના ભાવમાં (Gold and Silver Prices) મામૂલી ઘટાડો નોંધાયો હતો.
(ડિસ્ક્લેમર: શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લો.)

