7 હજાર કરોડના ક્રૂઝ પર યોજાઈ રહ્યું છે અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ, જાણો શું છે ખાસિયત
દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની બુધવાર, 29 મેથી શરૂ થવા જઈ રહી છે. તે એક ભવ્ય ઇવેન્ટ હશે જ્યાં મહેમાનોને ઇટલી અને દક્ષિણ ફ્રાન્સ વચ્ચેના વૈભવી ક્રૂઝ પર લઈ જવામાં આવશે. અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ચાર દિવસ સુધી ચાલશે અને કુલ 4,380 કિમીનું અંતર આવરી લેશે.
7000 કરોડ રૂપિયાના આ વિશેષ જહાજ પર સમારોહનું આયોજન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે ક્રૂઝ શિપ પર આ બીજુ પ્રી-વેડિંગ ફંક્શન આયોજિત થવા જઈ રહ્યું છે તેનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે. આ એક ખૂબ જ લક્ઝુરિયસ ક્રુઝ શિપ છે, જેમાં ફાઈવ સ્ટાર રિસોર્ટ જેવી સુવિધાઓ છે. આ ક્રૂઝ ફ્રાન્સની અગ્રણી શિપબિલ્ડિંગ કંપની ચેન્ટિયર્સ ડે લ'એટલાન્ટિક સેલિબ્રિટી દ્વારા બનાવવામાં આવી છે. આ જહાજની કિંમત લગભગ 90 કરોડ ડોલર એટલે કે 7,475 કરોડ રૂપિયા છે. જહાજની લંબાઈ 327 મીટર અને પહોળાઈ 39 મીટર છે. તે એક સાથે 3,950 મુસાફરોને લઈ જઈ શકે છે. વહાણમાં સવાર મહેમાનો લેપ પૂલ, ડોટ ટબ પૂલ, સ્યુટ બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા જેવી અનેક સુવિધાઓનો આનંદ માણી શકે છે.
ઇવેન્ટ્સનું સંપૂર્ણ શેડ્યૂલ જાણો
એક અહેવાલ મુજબ, 29 મેના રોજ ઇટલીના પાલેર્મો પોર્ટથી ક્રુઝના પ્રસ્થાન સાથે ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થશે. ચાર દિવસીય કાર્યક્રમના પહેલા દિવસે મહેમાનો માટે વેલકમ લંચ અને સ્ટાર નાઇટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. બીજા દિવસે બધા મહેમાનો રોમ શહેરની સુંદરતાનો આનંદ માણી શકશે. આ સાથે ક્રુઝ પર ભવ્ય ડિનર અને ટોગા પાર્ટીનું પણ આયોજન કરવામાં આવશે. ત્રીજા દિવસે, તમામ મહેમાનો ફ્રાન્સના કાન્સ પહોંચશે, જ્યાં ફરી એકવાર ક્રુઝ પર ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમના ચોથા અને અંતિમ દિવસે, મહેમાનો પોર્ટોફિનો, ઇટલીના પ્રવાસનો આનંદ માણશે.
આ કાર્યક્રમમાં ભાગ લેશે મહેમાનો
અનંત અને રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે દેશની ઘણી હસ્તીઓ ઈટલી પહોંચી છે. ચાર દિવસીય કાર્યક્રમમાં 300 VVIP મહેમાનો સહિત કુલ 800 મહેમાનો હાજરી આપશે. તેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સના નામ પણ સામેલ છે. આ યાદીમાં રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, સલમાન ખાન વગેરે જેવા ઘણા દિગ્ગજ કલાકારોના નામ સામેલ છે.
પોપ સ્ટાર શકીરા કરશે પર્ફોર્મ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્લોબલ પોપ સ્ટાર શકીરા પણ આ પ્રી-વેડિંગ ફંક્શનમાં પર્ફોર્મ કરી શકે છે. આ પર્ફોર્મન્સ માટે તે 10થી 15 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે. અગાઉ પોપ સ્ટાર રિહાન્નાએ જામનગરમાં યોજાયેલા ફર્સ્ટ પ્રી-વેડિંગ ફંક્શનમાં પર્ફોર્મન્સ આપ્યું હતું.








