Adani news: અદાણી ગૃપની મોટી જીત: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો જમીન પરત લેવાનો આદેશ રદ કર્યો, જાણો શું છે વિગત

Adani news: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ) ને સુપ્રીમ કોર્ટ તરફથી અત્યંત મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. નામદાર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર દ્વારા 4 જુલાઈ 2024ના રોજ જમીન પરત લેવા માટે પસાર કરેલા આદેશને રદબાતલ ઠેરવ્યો છે. આ સાથે જ કોર્ટે વર્ષ 2011થી ચાલતી પીઆઈએલ (PIL No.17/2011)ને પણ ડિસ્પોઝ કરી દીધી છે. આ નિર્ણયને પગલે અદાણી પોર્ટ્સ પાસે સંબંધિત જમીન અંગેના તમામ હક્કો પૂર્વેની જેમ જ સુરક્ષિત અને અબાધિત રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાના મુખ્ય અંશો:
સુપ્રીમ કોર્ટના આદેશની પ્રાપ્ત થયેલી નકલ મુજબ, ગુજરાત સરકારનો જમીન પરત લેવાનો નિર્ણય કાયદાકીય પ્રક્રિયાના ઉલ્લંઘન સમાન હતો. કોર્ટે નોંધ્યું હતું કે:
• આ જમીન પરત લેવાનો આદેશ કંપનીને કોઈ નોટિસ આપ્યા વિના, સુનાવણી આપ્યા વિના અને કારણ બતાવવાની તક આપ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો.
• અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડે ભારતની સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તા. 10 જુલાઈ 2024ના આદેશ દ્વારા હાઈકોર્ટના આદેશની અમલવારી પર સ્ટે મૂક્યો હતો.
• પ્લીડિંગ્સ પૂર્ણ થયા બાદ, આ મામલાની વિગતવાર સુનાવણી 27 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવી.
• આ સુનાવણીમાં ગુજરાત સરકારના જમીન પરત લેવાના આદેશને કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ છે અને સદર બાબતે થયેલ PILને પણ ડિસ્પોઝ કરવામાં આવેલ છે..
• સુપ્રીમ કોર્ટના આ ઓર્ડરથી સદર જમીન અંગેના તમામ હક્કો આજે પણ અદાણી કંપની પાસે અબાધિત છે. જે અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને નોંધપાત્ર રાહત આપે છે.
કેસની સફર
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના જમીન પરત લેવાના આદેશ વિરુદ્ધ અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડે સુપ્રીમ કોર્ટમાં 'સ્પેશિયલ લીવ પિટિશન' (SLP) દાખલ કરી હતી. જેની સુનાવણી બાદ 10 જુલાઈ 2024ના રોજ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. આખરે 27 જાન્યુઆરી 2026ના રોજ વિગતવાર સુનાવણી પૂર્ણ થયા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો આખરી નિર્ણય સંભળાવ્યો છે, જે અદાણી ગૃપ માટે ખૂબ મોટી કાયદાકીય જીત માનવામાં આવે છે.
કંપની દ્વારા આ ઐતિહાસિક હુકમને આવકારવામાં આવ્યો છે અને આ નિર્ણયથી કંપનીના જમીન સંપાદન અને SEZ પ્રોજેક્ટ્સને નોંધપાત્ર રાહત મળી છે.

