EVENING BULLETIN: તાઈવાન ભારત માટે બની શકે છે મોટું સંકટ! મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, ગુજરાતની 3 મનપાની કચેરીને બોમ્બની ધમકી
તાઈવાન ભારત માટે બની શકે છે મોટું સંકટ
પૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેએ મોટી ચેતવણી આપી છે કે, જો ચીન તાઈવાન પર હુમલો કે નાકાબંદી કરશે, તો મલાક્કા સ્ટ્રેટનો દરિયાઈ વેપાર ઠપ થઈ જશે. તાઈવાન ભલે દૂર હોય, પણ ભારત પર તેની ભયાનક આર્થિક અસર પડશે.
ઈરાનને ઝટકો આપવા ટ્રમ્પ લાવશે 'VIP પાસ'
ટ્રમ્પ વહીવટીતંત્ર હોર્મુઝની ખાડીમાંથી જહાજોની અવરજવર સુરક્ષિત કરવા નવી યોજના લાવી રહ્યું છે. આ પ્લાન હેઠળ જહાજ માલિકો નક્કી કરેલી ફી ચૂકવીને અમેરિકન નૌસેનાની સુરક્ષા હેઠળ પસાર થઈ શકશે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ
ઉદ્ધવ ઠાકરે જૂથના 9 સાંસદોમાંથી 6 સાંસદોએ હવે શિંદે ગ્રૂપની શિવસેનાને સમર્થન આપ્યું છે. હવે સંસદમાં ઉદ્ધવ ઠાકરે જૂથ શિવસેનાના સાંસદોનું સંખ્યાબળ 3 રહ્યું છે. મળતી માહિતી મુજબ હાલમાં જ આ બાગી સાંસદોએ શિંદે ગ્રૂપને સમર્થન જાહેર કર્યું છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓમાં થઈ રહેલા ભંગાણને જોઈને NCP સુપ્રિમો શરદ પવાર એક્શનમાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NCPએ આગામી દિવસોમાં સાંસદોની બેઠક બોલાવી છે. જોકે, આ અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી.
NEET UG પરીક્ષાને લઈને નવી અરજી
નીટ પેપર લીક મામલા બાદ ૨૧ જૂને ફરીથી NEET UG પરીક્ષા યોજાવા જઈ રહી છે, જેને લઈને એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, પેપર લીકના આરોપો બાદ આશરે ૨૨ લાખ વિદ્યાર્થીઓને નવેસરથી પરીક્ષા આપવા માટે કહેવું ખોટું છે. ગેરરીતિ માત્ર કેટલાક લોકો અને પરીક્ષા કેન્દ્રો પૂરતી જ મર્યાદિત હતી. જો કે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે, નીટ સાથે જોડાયેલા મામલાઓની સુનાવણી બીજી બેંચ કરી રહી છે.
ગુજરાતની 3 મનપાની કચેરીને બોમ્બની ધમકી
ગુજરાતના વિવિધ મહાનગરોની પાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં ટેન્શનનો માહોલ સર્જાયો હતો. જામનગર, વડોદરા અને પછી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. ધમકીભર્યા આ સંદેશાને પગલે પાલિકા કચેરી ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વડોદરા સયાજી હોસ્પિટલમાં નમાજ વિવાદ
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ત્રણ લોકો જાહેરમાં નમાજ અદા કરતા હોય તેવો વીડિયો વાયરલ થતાં વિવાદ વધ્યો છે. હોસ્પિટલ તંત્ર અને પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે સુરક્ષા માટે 800 કેમેરાનું મોનિટરિંગ કડક કરાયું છે.
ખેતરોમાં વીજ થાંભલા નાખવા અંગે હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કલેક્ટરનો આદેશ રદ કર્યો છે! કોર્ટે સાફ કહી દીધું છે કે ખેડૂતોને સાંભળ્યા વિના વીજપોલ નાખવા અંગે કોઈ નિર્ણય ન લેવાય. ચોમાસાની મુશ્કેલીઓ વચ્ચે વીજ કંપનીઓને આ કેસમાં ૨૩ જૂન સુધીમાં અંતિમ નિર્ણય લેવા આદેશ કરાયો છે.
ગેરકાયદે સિંહ દર્શન કરતા પ્રવાસીઓ વાહન છોડી ભાગ્યા
ગીર સોમનાથના મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયેલા પ્રવાસીઓ વન વિભાગની ટીમને જોઈને વાહનો છોડી નાસી છૂટ્યા છે. કારમાંથી દારૂ મળ્યાનો પણ આક્ષેપ છે. વન વિભાગે વાહનો જપ્ત કરી એક સ્થાનિક યુવકની ધરપકડ કરી તપાસ તેજ કરી છે!

