NEWS EVENING: PM મોદીની હજીરા મુલાકાત, રશિયાની ભારતને મોટી ઓફર, અન્નામલાઈએ કરી નવી પાર્ટીની જાહેરાત, અમદાવાદમાં દૂષિત પાણીથી લોકો બિમાર!
PM મોદીની હજીરા મુલાકાત
પીએમ મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસે ગુજરાતના ડાયમંડ સીટી સુરતના એલ એન્ડ ટી પ્લાન્ટની મુલાકાત લીધી. અહીં 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ એલ એન્ડ ટી પ્લાન્ટમાં ટેંક, ડ્રોન તેમજ અન્ય શસ્ત્રો નિહાળ્યા હતા.
પાંચમી પેઢીના ફાઇટર જેટ માટે પુતિને ખોલ્યા ડિફેન્સ સેક્ટરના દરવાજા
ભારતીય વાયુસેનાની સૈન્ય શક્તિ વધારવા માટે રશિયાના પ્રમુખ પુતિને મોટી ઓફર આપી છે. પુતિને ભારતને 5th Generationના ફાઇટર જેટ સંયુક્ત રીતે બનાવવા માટે સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજો ખોલી આપ્યો છે, જેનાથી ચીન અને પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે.
વૈશ્વિક યુદ્ધ અને મોંઘવારી વચ્ચે સેન્ટ્રલ બેંકનો મોટો નિર્ણય, EMIમાં ન મળી રાહત
આરબીઆઈની મોનિટરી પોલિસીની બેઠકમાં રેપો રેટને 5.25% પર સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા અને મોંઘવારીને કારણે આ નિર્ણય લેવાયો છે, જેના લીધે હવે લોકોના EMIમાં કોઈ ફેરફાર કે રાહત જોવા નહીં મળે.
ભાજપમાં રાજિનામા બાદ અન્નામલાઈએ નવી પાર્ટીની કરી જાહેરાત!
ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કે. અન્નામલાઈએ તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. ચેન્નાઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે નવી પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે. અન્નામલાઈએ સ્પષ્ટ કર્યું કે ભાજપ સાથે તેમના વિચારો મેળ નથી ખાતા અને તેમની નવી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં જોરશોરથી ઝંપલાવશે.
કેનાલની નવી બની રહેલી ખાડીમાં પૂરઝડપે દોડતી કાર ખાબકી
રાણીપ વિસ્તારમાં ડી-માર્ટ નજીક એક કારચાલકે બેફામ ગાડી ચલાવતા કાર સીધી નવી બની રહેલી કેનાલની ખાડીમાં ખાબકી હતી. કારમાં સવાર બે યુવકોને સામાન્ય ઈજા થતાં ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા. ટ્રાફિક પોલીસે ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જમીનના માલિકે રસ્તા વચ્ચે તારની વાડ કરી દેતા રહીશોનો રસ્તો બંધ
પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં જનતાના લાખો રૂપિયાના ખર્ચે એક ખાનગી જમીન પર રોડ બનાવી દેવાયો! હવે જમીનના મૂળ માલિકે રસ્તાની વચ્ચે જ તારની વાડ કરી દેતા સ્થાનિક રહીશો માટે આવવા-જવાનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો છે.
કડીના પૂર્વ પ્રમુખ પર જીવલેણ હુમલો અને લાખોની લૂંટ
મહેસાણાના નંદાસણ પાસે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન રોકવા ગયેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અજીત પટેલ અને ખેડૂતો પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો છે. અજીત પટેલ પર હુમલો કરી ૮.૨૦ લાખની લૂંટ ચલાવાઈ. પોલીસે ૨૦ લોકોના ટોળા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

