NEWS AFTERNOON: ભારત-અમેરિકા વચ્ચે થઈ શકે છે મોટી ટ્રેડ ડીલ, ક્રૂડની આયાત ઘટાડવાનો સરકારનો પ્લાન, S.T. કર્મચારીઓની આંદોલનની ચિમકી
1. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થઈ શકે છે મોટો વ્યાપારિક કરાર
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરતા તેમને પોતાના 'ખાસ મિત્ર' ગણાવ્યા છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં મોટી ટ્રેડ ડીલ થશે, જોકે તેમણે ભારતની જૂની ટેરિફ નીતિ પર નિશાન પણ સાધ્યું.
2. 'અમેરિકાના દબાણ છતાં ભારત કોઈની સામે ઝૂકશે નહીં' : પુતિન
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતના આર્થિક વિકાસ દર અને પીએમ મોદીના નીડર નેતૃત્વના મુક્તકંઠે વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે અમેરિકા ગમે તેટલું દબાણ કરે પણ ભારત ઝૂકશે નહીં અને બંને દેશો વચ્ચેનો વેપાર ૧૦૦ અબજ ડોલરે પહોંચશે.
3. ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા માટે કેન્દ્ર સરકારનો મોટો પ્લાન
પેટ્રોલમાં ઈથેનોલની સફળતા બાદ હવે કેન્દ્ર સરકાર ડીઝલને વધુ ઈકોફ્રેન્ડલી બનાવવાની તૈયારીમાં છે. ડીઝલમાં 'આઈસોબ્યુટેનોલ' બ્લેન્ડિંગ કરવાની નીતિ પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
4. જાણીતી કંપની રાજેશ એક્સપોર્ટ્સ મુશ્કેલીમાં, કરોડોની હેરાફેરીના આરોપસર વચગાળાનો પ્રતિબંધ
સોનાના કારોબાર સાથે જોડાયેલી જાણીતી કંપની રાજેશ એક્સપોર્ટ્સ મુશ્કેલીમાં મુકાઈ છે. સેબીએ કંપની અને તેના ચેરમેન રાજેશ મહેતા પર ૧૫.૧૫ લાખ કરોડની આવકની હેરાફેરીના આક્ષેપ સાથે પ્રતિબંધ મૂક્યો છે, જેના લીધે શેરબજારમાં કડાકો બોલાયો છે.
5. ખાનગીકરણ અને પડતર પ્રશ્નોના વિરોધમાં ૧૮ જૂનથી વિરોધ પ્રદર્શન
GSRTCના ખાનગીકરણના વિરોધમાં અને ૨૭ જેટલા જુના પડતર પ્રશ્નોને લઈને ગુજરાત એસ.ટી. કર્મચારીઓએ આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. જો ન્યાય નહીં મળે તો ૧૮ જૂનથી કાળી પટ્ટી, રામધૂન અને ધરણાં જેવા કાર્યક્રમો કરવામાં આવશે.
6. અમદાવાદના ૨૬ વિસ્તારો હાઈ-રિસ્ક જાહેર કરાયા, નવા ખોદકામ પર રોક
ઘાટલોડિયામાં દૂષિત પાણીની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના ૨૬ વિસ્તારોને હાઈ-રિસ્ક જાહેર કરી, ત્યાં ખાસ દેખરેખ રાખવા અને નવા ખોદકામ પર તાત્કાલિક રોક લગાવવાનો નિર્ણય કરાયો છે.
7. રાજ્યસભાની ૪ બેઠકો માટે ભાજપે નવા ઉમેદવારોના નામ કર્યા જાહેર
ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પક્ષે 'નો રિપીટ થીયરી' અપનાવી ૩ જૂના જોગીઓનું પત્તું કાપીને રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારીયાને ટિકિટ આપી છે.

