NEWS AFTERNOON: અમેરિકાના ઓહાયોમાં અંધાધૂંધ ગોળીબાર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો, CJPનું સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ
અમેરિકાના ઓહાયોમાં અંધાધૂંધ ગોળીબાર
અમેરિકાના ઓહાયો રાજ્યના ટોલેડો શહેરમાં ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ દરમિયાન ભયાનક માસ શૂટિંગની ઘટના સામે આવી છે. રવિવારે બપોરે થયેલા આ અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે અનેક ગંભીર ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે.
ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારો
મોંઘવારીના મોરચે સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું છે. 7 જૂનથી દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો 29 રૂપિયાનો વધારો ઝીંકાયો છે, જેથી હવે સિલિન્ડરની કિંમત 913 રૂપિયાથી વધીને 942 રૂપિયા થઈ ગઈ છે.
સીજેપીનું કેન્દ્ર સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ
દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન બાદ કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. માંગ પૂરી ન થવા પર યુવાનો સાથે મળીને દેશભરમાં મોટા જનઆંદોલનની ચેતવણી આપવામાં આવી છે.
કેન્દ્ર સામે કોંગ્રેસ દેશભરમાં કરશે જનઆંદોલન
પછાત વર્ગો અને લઘુમતીઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી દેશભરમાં જનઆંદોલન છેડશે. આ તરફ યુથ કોંગ્રેસ પણ NEET પેપર લીક મામલે રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહી છે, જેથી કોંગ્રેસ એક સાથે બે મોટા મુદ્દાઓ પર ઘેરાબંધી કરશે.
ભાવનગર રિંગ રોડ પર ત્રિપલ અકસ્માત
ભાવનગર રિંગ રોડ પર એક પુરપાટ ઝડપે આવતી કારે પહેલા બાઇકને અડફેટે લીધી અને ત્યારબાદ સિમેન્ટ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક ત્રિપલ અકસ્માતમાં બાઇક સવાર રાકેશભાઈ અને બેચરભાઈ નામના બે વ્યક્તિઓના ગંભીર ઇજાના કારણે મોત થયા છે.
અમદાવાદમાં વટવા પોલીસની મોટી સફળતા
અમદાવાદના વટવામાંથી રહસ્યમય રીતે ગુમ થયેલા 12 વર્ષના બે જોડિયા ભાઈઓને પોલીસે 4 દિવસમાં શોધી કાઢ્યા છે. વટવા પોલીસે રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોના 400 જેટલા CCTV ફૂટેજ ચેક કરીને બંને માસૂમ બાળકોને વડોદરાથી હેમખેમ શોધી પરિવાર સાથે મળાવ્યા છે.
સુરેન્દ્રનગરમાં અગરિયાઓએ વ્યક્ત કર્યો ભારે રોષ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને ધારાસભ્યની હાજરીમાં યોજાયેલી રાત્રીસભામાં અગરિયાઓએ વહીવટીતંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. રણ વિસ્તારમાં ફરી સર્વે કરવા, વાવાઝોડાના નુકસાનની સહાય ચૂકવવા અને હિન્દુસ્તાન સોલ્ટ કંપનીની મનમાની રોકવાની માંગ સાથે અગરિયાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી.
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં બેવડી ઋતુ વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગ પકડી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 7 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાઓમાં તેજ પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

