NEWS AFTERNOON: કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન, તમિલનાડુના રાજકારણમાં મોટો ઉલટફેર, મોરબી હાઈવે પર ગોઝારો અકસ્માત
1. કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન
NEET પરીક્ષાના પેપર લીક અને શિક્ષણમાં ગેરરીતિના મુદ્દે દિલ્હીમાં મોટું આંદોલન શરૂ થશે. દિલ્હી પોલીસે 'કોકરોચ જનતા પાર્ટી'ને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનની મંજૂરી આપી દીધી છે. હાઈકોર્ટે પણ પ્રદર્શન પર રોક લગાવવાની અરજી ફગાવી દેતાં આંદોલનનો માર્ગ સાફ થયો છે.
2. લંડન યુનિવર્સિટીમાં CJI સૂર્યકાંતને પૂછાયેલા સવાલ પર ભારે હોબાળો
લંડન યુનિવર્સિટીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતના કાર્યક્રમ દરમિયાન ભારતમાં લોકશાહી અંગે કેટલાક લોકોએ વિવાદિત સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટના પર લંડન સ્થિત ભારતીય હાઈકમિશને કડક વાંધો ઉઠાવી સજ્જડ જવાબ આપ્યો છે.
3. તમિલનાડુના રાજકારણમાં મોટો ઉલટફેર, ભાજપ છોડતા જ દિગ્ગજ નેતાને 10 લાખ લોકોનું સમર્થન
તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે ‘ઇધુ નમ્મા ઇયક્કમ’ નામના નવા રાજકીય આંદોલનની જાહેરાત કરી છે, જેમાં શરૂઆતના માત્ર 10 કલાકમાં જ 10 લાખથી વધુ લોકો જોડાઈ ગયા છે.
4. પશ્ચિમ બંગાળમાં TMC નેતાની ધરપકડ
પશ્ચિમ બંગાળના હુગલીમાં તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા રમેશ પાત્રાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાઈ છે. રમેશ પાત્રા પર સરકારી લાભો અપાવવાના બહાને એક વેપારી પાસેથી 29 લાખ રૂપિયા પડાવી ધમકી આપવાનો ગંભીર આરોપ છે.
5. કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસું 4 રાજ્યોમાં પહોંચ્યું, ગુજરાતમાં એન્ટ્રી ક્યારે?
દેશમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. કેરળ બાદ ચોમાસું હવે કર્ણાટક અને તમિલનાડુ સહિત 4 રાજ્યોમાં આગળ વધ્યું છે. હવામાન વિભાગ (IMD)ના મતે ગુજરાતમાં જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.
6. મોરબી-હળવદ હાઈવે ગોઝારો અકસ્માત, 5 યુવાનના મોત
મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જતી કાર ડમ્પર નીચે ઘૂસી જતાં કારમાં સવાર 5 યુવાનોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે બે લોકોની હાલત નાજુક છે.
7. છોટાઉદેપુરમાં કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત
નેશનલ હાઈવે-56 પર જોડાવાટ ગામ પાસે 20 મુસાફરોથી ભરેલી તુફાન કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશથી ગોંડલ મજૂરી અર્થે જતા પરિવારની કારને નડેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
8. મહેસાણામાં કરોડોનું જમીન કૌભાંડ
મહેસાણાના કડી તાલુકાના વડાવી ગામે કરોડોની કિંમતી સરકારી અને રહેણાંક જમીનને ખેતીની ખુલ્લી જમીન બતાવી 65 લાખના ખોટા દસ્તાવેજ કરવાનું કૌભાંડ ખુલ્યું છે. આ મામલે તલાટી અને મામલતદારની તપાસ બાદ 14 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
9. ગુજરાત એસટી નિગમમાં ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ
ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. ઉમેદવારો આજથી એટલે કે 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. પસંદગી પામનારને શરૂઆતના 5 વર્ષ માટે 26000 ફિક્સ પગાર મળશે.

