NEWS @ MORNING: ઈરાને યુદ્ધ થયું તો મોટા હુમલાની ધમકી આપી, દિલ્હીમાં કોકરોચ પાર્ટીનું વિરોધ પ્રદર્શન પૂર્ણ, ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસવાની આગાહી
1. ઈરાને અમેરિકા પાસે માંગ્યા 24 અબજ ડૉલર, યુદ્ધ થયું તો મોટા હુમલાની ધમકી આપી પશ્ચિમ એશિયામાં ભારે તણાવ વચ્ચે ઈરાને અમેરિકા પાસે તેના જપ્ત કરાયેલા 24 અબજ ડૉલર મુક્ત કરવાની શરત મૂકીને તમામ રાજકીય વાટાઘાટો સ્થગિત કરી દીધી છે. જો અમેરિકા આ ફંડ મુક્ત નહીં કરે અથવા ફરી યુદ્ધ શરૂ કરશે, તો ઈરાને હિંદ મહાસાગર અને લાલ સમુદ્ર સુધી મોટા હુમલા કરવાની અને ટ્રમ્પ-ખામેનેઈની મીટિંગ ન થવાની સ્પષ્ટ ચેતવણી આપી છે. 2. દિલ્હીમાં કોકરોચ પાર્ટીનું વિરોધ પ્રદર્શન પૂર્ણ દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલું 'કોકરોચ જનતા પાર્ટી'નું પહેલું મોટું પ્રદર્શન સત્તાવાર રીતે સમાપ્ત થયું છે. પ્રદર્શન પૂરું થતાં જ સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર સમર્થકોનો આભાર માન્યો અને સરકારને ચેતવણી આપતા લખ્યું કે, 'આ તો બસ એક ટ્રેલર હતું'. 3. ઝારખંડમાં JMMના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓએ લીધો રાહતનો શ્વાસ ઝારખંડ મુક્તિ મોરચાએ મહાગઠબંધનમાં વિવાદ શાંત કરવા રાજ્યસભા ચૂંટણી માટે બૈદ્યનાથ રામને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ હવે રાજ્યસભાની ૨ બેઠકો પર ગઠબંધનના સહયોગી પક્ષો, કોંગ્રેસ અને JMMના ઉમેદવારો સામસામે ચૂંટણી લડશે. 4. રમતા-રમતા તળાવમાં નહાવા પડેલા 3 બાળકોને મળ્યું મોત અંબાજી નજીક આવેલા રિછડી તળાવમાં નહાવા પડેલા ત્રણ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ઉનાળુ વેકેશનના સમયગાળામાં ત્રણેય બાળકો રમતા રમતા રિછડી તળાવમાં કાઠે પહોંચ્યા હતા. ઉંડા પાણીમાં ડૂબતા ત્રણેય ભૂલકાંઓના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 5. ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો ગીરમાં સિંહોના મોત પાછળ કોઈ વાઈરસ ન હોવાનો વનમંત્રી દાવો કરી રહ્યા છે, જ્યારે સ્થાનિક વન અધિકારીની સોશિયલ મીડિયા પોસ્ટમાં 'વાઈરસ' હોવાની વાત સ્વીકારાતા મોટો વિરોધાભાસ સર્જાયો છે. ગર્ભવતી સિંહણના મોત બાદ ફોરેસ્ટરની બદલી, અધિકારી દ્વારા પોસ્ટ ડિલીટ કરવી અને લેબોરેટરી રિપોર્ટ ગુપ્ત રાખવાના કારણે વન વિભાગની કામગીરી સામે શંકાઓ અને વિવાદ વધુ ઘેરો બન્યો છે. 6. નવઘણજી ઠાકોરે ભાજપ વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું ઠાકોર સમાજ એકતા સમિતિ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે ભાજપ પર આરોપ લગાવ્યો કે તે મોટા સમાજોને ખતમ કરવાનો ષડયંત્ર રચે છે. રાજ્યસભાના ચાર ઉમેદવારોની યાદીમાં એકપણ ઠાકોર સમાજનો ઉમેદવાર નથી. ગુજરાતમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, છતાં તેમની અવગણના થઈ રહી છે. ઠાકોર સમાજને ન્યાય નહીં મળે તો ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં સર્વ સમાજને સાથે લઈને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. 7. ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસવાની હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે. હાલ ચોમાસું મેંગલોર સુધી પહોંચી ગયું છે, ત્યારે ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું બેસવાની શક્યતા છે. તો જાણીએ હવે આજના રાશિફળ વિષે "આજે ચંદ્રના ગોચર અને ગ્રહોની અનુકૂળ અસરને કારણે મેષ, મિથુન, તુલા અને ધન રાશિના જાતકોને ધનલાભ, પ્રગતિ અને નવા કાર્યમાં સફળતાના યોગ છે. જ્યારે વૃષભ, કર્ક, કન્યા અને મકર રાશિના જાતકોએ ખર્ચ, પારિવારિક બાબતો અને વાહન વ્યવહારમાં સાવધાની રાખવાની જરૂર રહેશે." ચાલો હવે જાણીએ આજનું પંચાંગ "પંચાંગ મુજબ આજે શુભ તિથિ અને અનુકૂળ નક્ષત્રનો સંયોગ હોવાથી ધાર્મિક કાર્યો, શુભ કાર્યો અને નવા આયોજનની શરૂઆત માટે દિવસ સારો માનવામાં આવે છે. મહત્વના નિર્ણયો વિચારપૂર્વક લેવા અને શુભ મુહૂર્તનો લાભ લેવાથી સફળતાની સંભાવના વધશે." હવે નજર કરીએ આજના ઇતિહાસ પર 7 જૂન 1979ના રોજ ભારતે પોતાનો બીજો ઉપગ્રહ 'ભાસ્કર-1' પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યો હતો. તેનું પ્રક્ષેપણ તત્કાલીન સોવિયેત સંઘ (રશિયા)ના રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું. અને હવે, એક સુંદર વિચાર સાથે દિવસની સકારાત્મક શરૂઆત કરીએ "સમય, શક્તિ, પૈસા અને શરીર જીવનમાં દરેક વખતે સાથ ન આપી શકે. પરંતુ, સારો સ્વભાવ, સમજણ, આધ્યાત્મિક માર્ગ અને સાચી ભાવના જીવનમાં હંમેશા સહકાર આપશે."

