NEWS EVENING: મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધના એંધાણ, રામ મંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું, ગાંધીનગરમાં નશામાં ધૂત નબીરાઓનો આતંક!
મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધના એંધાણ: વધ્યું વૈશ્વિક સંકટ!
મિડલ ઈસ્ટમાં ફરી એકવાર મોટા યુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે. ઇઝરાયેલે લેબનાનમાંથી હટવાની ચોખ્ખી ના પાડી દીધી છે, તો બીજી તરફ ઇરાન અને હિઝબુલ્લાહ પણ ઝૂકવા તૈયાર નથી. બંને પક્ષોની આ જીદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચાડી શકે છે.
રામ મંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાએ રાજીનામું આપ્યું છે. મંદિરના દાનમાં કથિત ચોરી અંગે SIT તપાસના અહેવાલ અને CM યોગી આદિત્યનાથના સખત વલણ બાદ આ નિર્ણય લેવાયો છે. ચંપત રાય વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ નેતા અને દાયકાઓ સુધી રામ મંદિર આંદોલનનો મોટો ચહેરો રહ્યા છે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી તરીકે તેમની પાસે તમામ વહીવટી અને આર્થિક સત્તાઓ હતી. બીજી તરફ અનિલ મિશ્રા પણ સંઘ સાથે જોડાયેલા છે અને ટ્રસ્ટના સભ્ય હતા.
ડેનમાર્કમાં બુરખા બાદ હવે અઝાન પર પ્રતિબંધની તૈયારી
યુરોપિયન દેશ ડેનમાર્કમાં બુરખા બાદ હવે લાઉડસ્પીકર પર અઝાન પઢવા પર દેશવ્યાપી પ્રતિબંધની તૈયારીઓ શરૂ થઈ છે. ઇમિગ્રેશન મંત્રીએ આકરા શબ્દોમાં જણાવ્યું કે, ડેનમાર્કમાં વધતું ઇસ્લામાઇઝેશન સાંખી લેવાશે નહીં અને દેશના કોઈ પણ ભાગને ઈસ્લામાબાદ બનવા દઈશું નહીં.
પુણે મર્ડર કેસની આરોપીના પિતાને આવ્યો હાર્ટ એટેક
ચર્ચિત પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલને માનસિક તણાવના કારણે હાર્ટ એટેક આવ્યો છે, હાલ તેઓ ICUમાં છે. બીજી તરફ, તપાસમાં ખુલાસો થયો છે કે આ સામાન્ય અકસ્માત નહીં પણ કાવતરૂં ઘડીને કરાયેલી પ્લાન્ડ મર્ડર હતું.
ગાંધીનગરમાં નશામાં ધૂત નબીરાઓનો આતંક!
ગાંધીનગરના સરગાસણ બ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે નશામાં ધૂત નબીરાઓએ ૧૩૦ કિલોમીટરની સ્પીડે ક્રેટા કાર દોડાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. લક્ઝુરિયસ ગાડીઓ વચ્ચે થયેલી આ ટક્કર બાદ ક્રેટામાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આદરણા ગ્રામ પંચાયતે સામૂહિક રાજીનામાની આપી ચીમકી!
મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોના ઉપવાસના 9મા દિવસે આંદોલન વધુ તેજ બન્યું છે. ખેડૂતોના સમર્થનમાં આવેલી આદરણા ગ્રામ પંચાયતે સરકારને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપી, યોગ્ય નિર્ણય ન લેવાવા પર સામૂહિક રાજીનામાની ચીમકી આપી છે.
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી: આગામી દિવસો માટે એલર્ટ
ગુજરાતમાં લાંબી રાહ બાદ સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સૌથી વધુ ૧૬ મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ૧ જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની આગાહી કરી છે.
અમદાવાદના દધીચિ બ્રિજ પર યુવકનો આત્મહત્યાનો પ્રયાસ
અમદાવાદના દધીચિ બ્રિજ પર એક યુવકે લોખંડની જાળી પર ચઢી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે ત્યાંથી પસાર થતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ તાત્કાલિક ગાડી ઉભી રખાવી, યુવકને પ્રેમપૂર્વક સમજાવી નીચે ઉતાર્યો અને પોલીસને સોંપ્યો હતો.

