VIDEO: EVENING BULLETIN / દિલ્હીમાં ટ્રેન-મેટ્રો બંધ કરવા સામે સુપ્રીમની ટકોર, AMCમાં ભાજપના જ કોર્પોરેટરનો બળવો
અમેરિકાને ભારતનો જવાબ
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ દ્વારા ભારતીયો માટે 'બંધુઆ મજૂર' શબ્દ વાપરવા સામે ભારતે આકરો વાંધો ઉઠાવ્યો છે. ભારતે સ્પષ્ટ કહ્યું કે અમેરિકાનો વિકાસ પ્રવાસીઓના યોગદાનથી થયો છે અને આ પ્રકારનું નિવેદન સંસ્થાનવાદી તેમજ પીડાદાયક માનસિકતા દર્શાવે છે.
દિલ્હીમાં ટ્રેન-મેટ્રો બંધ કરવા સામે સુપ્રીમની ટકોર
૧૦ ઓક્ટોબરે આયોજિત પ્રદર્શન પહેલાં દિલ્હીમાં ટ્રેનો રદ કરવા, ૫૭ મેટ્રો સ્ટેશનો બંધ કરવા અને બોર્ડર સીલ કરવા સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કડક ટકોર કરી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે સુરક્ષાના બહાને સામાન્ય જનતા માટે આખી વ્યવસ્થા ઠપ ન કરી શકાય.
પાકિસ્તાનમાં 15 નવા પ્રાંત બનાવવાની હિલચાલ
પાકિસ્તાનનો નકશો બદલવાની અટકળો તેજ થઈ છે. સેના પ્રમુખ અસીમ મુનીર હાલના ૪ પ્રાંતોને વિભાજિત કરીને ૧૨ થી ૧૫ નવા વહીવટી પ્રાંત અને ૧૬૦ જિલ્લા-વિસ્તારો બનાવવાની તૈયારી કરી રહ્યા છે, જેથી દેશની સત્તા અને શાસન વ્યવસ્થામાં ધરખમ ફેરફારો થઈ શકે.
AMCમાં ભાજપના જ કોર્પોરેટરનો બળવો
અમદાવાદના શાહપુર વોર્ડમાં વિકાસકાર્યો ઠપ રહેતાં ભાજપના કોર્પોરેટર જિતેન્દ્ર ચૌહાણે આસિસ્ટન્ટ સિટી ઇજનેરની ઓફિસને તાળાં મારી વિરોધ નોંધાવ્યો. ગટર-પાણીના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલ કમિશનરના રાજીનામાની માગ સાથે તેમણે વિજિલન્સ તપાસની પણ ચીમકી આપી છે.
સાંસદ મનસુખ વસાવા વન વિભાગ સામે ભડક્યા
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વિપક્ષી નેતાઓ પર આદિવાસીઓને ભડકાવવાનો આરોપ મૂકવાની સાથે વન વિભાગના અધિકારીઓની સરખામણી ગીધ સાથે કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે કરોડોની ગ્રાન્ટ હડપવા અધિકારીઓ ખેડૂતોને લડાવી રહ્યા છે અને તેમની સામે ખોટા કેસો નોંધી રહ્યા છે.

