VIDEO: EVENING BULLETIN / ભારત સાથે 'દોસ્તી' બાદ પાકિસ્તાનને કરોડો ડોલરની મદદ, નીટ પેપર લીક મુદ્દે સરકાર ચર્ચા માટે તૈયાર, કોંગ્રેસ કાર્યાલયે ભાજપના ધરણાં
નીટ પેપર લીક મુદ્દે સરકાર ચર્ચા માટે તૈયાર
NEET પેપર લીક મુદ્દે વિપક્ષના ચોતરફી હુમલા વચ્ચે કેન્દ્ર સરકાર સંસદમાં ચર્ચા કરવા તૈયાર થઈ ગઈ છે. લોકસભામાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જાહેરાત કરી હતી કે વિદ્યાર્થીઓ સરકારની પહેલી પ્રાથમિકતા છે અને આ ગંભીર મુદ્દા પર ગૃહમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
ભારત સાથે 'દોસ્તી' બાદ પાકિસ્તાનને કરોડો ડોલરની મદદ
કેનેડામાં નવા વડાપ્રધાન માર્ક કાર્નીના આગમન બાદ ભારત સાથેના સંબંધો સુધરી રહ્યા હતા, ત્યાં જ કેનેડાના એક નિર્ણયે ચોંકાવ્યા છે. કેનેડાએ પાકિસ્તાનને કરોડો ડોલરની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે, જે ભારત સાથેના સુધરતા સંબંધો વચ્ચે વૈશ્વિક રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અમેરિકાનું ભારત પર નવું ટેરિફ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આયાતી જેનરિક દવાઓ પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરીને ભારતની ચિંતા વધારી દીધી છે. અમેરિકા ભારતીય ફાર્મા કંપનીઓ માટે સૌથી મોટું માર્કેટ હોવાથી, ટ્રમ્પના આ નિર્ણયની સીધી અને ગંભીર અસર ભારતના ફાર્મા ઉદ્યોગ પર પડી શકે છે.
જંતર-મંતર પ્રદર્શન: તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમનો ઇનકાર
જંતર-મંતરના આંદોલનકારીઓ પર થયેલી કથિત પોલીસ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અરજદારે વીડિયો જોઈને કોર્ટને 'સ્વયં સંજ્ઞાન' લેવા વિનંતી કરી હતી, પરંતુ CJI સૂર્યકાંતની બેંચે આ અરજી ફગાવી દીધી હતી.
કોંગ્રેસ કાર્યાલયે ભાજપના ધરણાં
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર કોંગ્રેસના પ્રદર્શનના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પડ્યા છે. જેના વિરોધમાં અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય 'રાજીવ ગાંધી ભવન' ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં ભાજપના કાર્યકરોએ ઉગ્ર ધરણાં પ્રદર્શન કર્યું હતું.
ભાવનગરમાં ગેરકાયદેસર મદરેસાનો પર્દાફાશ
ભાવનગરના સીદસર ગામમાં સંયુક્ત ટીમોના કોમ્બિંગ 'કાસો' ઓપરેશન દરમિયાન ગેરકાયદેસર ચાલતા મદરેસાનો પર્દાફાશ થયો છે. સ્થળ પરથી રાષ્ટ્રીય અખંડિતતા વિરૂદ્ધનું ભડકાઉ સાહિત્ય મળી આવતાં ૨૬ વર્ષીય મૌલાનાની અટકાયત કરાઈ છે. હાલ ફંડિંગ અને આતંકી કનેક્શન અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
વલસાડમાં મુસાફરોનું રેસ્ક્યુ
વલસાડના નાનાપોંઢા નજીક ડ્રાઈવરે બેદરકારી દાખવી બસને રસ્તા પર વહેતા પૂરના પાણીમાં ઉતારી દીધી હતી. બસ અધવચ્ચે બંધ પડી જતાં ૧૦થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, પોલીસ અને વહીવટી તંત્રે સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોનું સલામત રેસ્ક્યુ કરી લીધું હતું.
ગુજરાતમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ૪ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ૭ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં યલો એલર્ટ આપ્યું છે. દરિયામાં કરંટ હોવાથી માછીમારોને રોકવામાં આવ્યા છે અને બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે.

