VIDEO: EVENING BULLETIN / આંદોલનકારી વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત, જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, Gen Z યુવતીઓ પર કંગનાના નિવેદનથી વિવાદ
આંદોલનકારી વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત
પેપર લીક મામલે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર કડક કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. સીજેઆઈની ખંડપીઠે તમામ રાજ્યોને પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી ન કરવા અને જેલમાં બંધ સગીરોને તાત્કાલિક મુક્ત કરવા દેશવ્યાપી આદેશ આપ્યો છે.
જાપાનમાં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ
જાપાનના દક્ષિણી ટાપુ ક્યુશુ વિસ્તારમાં ૭.૧ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે. દરિયામાં ૧૦ કિમીની ઊંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતા આ ભૂકંપ બાદ તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧ મીટર સુધીની સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
Gen Z યુવતીઓ પર કંગનાના નિવેદનથી વિવાદ
ભાજપ સાંસદ કંગના રણૌતે જંતર મંતર પર વિરોધ કરી રહેલી પેઢીને 'ગટર જનરેશન' ગણાવતાં નવો વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર આકરી ટિપ્પણી કર્યા બાદ કંગનાને ચારેય તરફથી ભારે વિરોધ અને આકરી પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નીતિન ગડકરી મેટા અને ગૂગલ સામે કેસ કરશે!
E20 પેટ્રોલ પોલિસીને લઈને સોશિયલ મીડિયા પર AI ડીપફેક દ્વારા ગડકરી સામે ખોટા દાવા ફેલાવવાનો મામલો ગરમ થયો છે. બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મેટા, ગૂગલ અને એક્સ (X) જેવા પ્લેટફોર્મ્સ વિરુદ્ધ કેસ કરવાની લીલી ઝંડી આપી દીધી છે.
સુરતમાં વીજ કરંટથી વિદ્યાર્થીનું મોત
સુરતના ખટોદરા સ્થિત સુમન શાળામાં ધાબા પર પીટીના લેક્ચર દરમિયાન લાઈટના થાંભલામાંથી કરંટ લાગતાં ધોરણ 9ના વિદ્યાર્થીનું મોત થયું છે. ખુલ્લા વાયરિંગ અને શાળા તંત્રની ગંભીર બેદરકારી સામે આવતાં વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
માંજલપુર બેઠક પર ચૂંટણી પ્રચારના પડઘમ શાંત
વડોદરાની હાઈવોલ્ટેજ માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીનો પ્રચાર પૂર્ણ થયો છે. ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારીએ રોડ શો અને રેલીઓથી તાકાત બતાવી હતી. હવે ઉમેદવારોનું ભવિષ્ય ત્રીસમી તારીખે યોજાનારા મતદાનથી નક્કી થશે.

