વોટ્સએપને મળશે ભારતીય હેડ: વિલ કેથકાર્ટે છોડી કમાન, કુણાલ શાહની એન્ટ્રી

ટેક જગતમાંથી એક ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 7 વર્ષથી મેટાની લોકપ્રિય મેસેજિંગ એપ 'વોટ્સએપ' (WhatsApp)નું નેતૃત્વ કરી રહેલા વિલ કેથકાર્ટે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. મેટા કંપનીના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંથી એક એવા વિલ કેથકાર્ટના કાર્યકાળ દરમિયાન વોટ્સએપના યુઝર્સની સંખ્યા 3 અબજ (300 કરોડ)ને પાર પહોંચી ગઈ છે. તેમણે યુઝર્સની પ્રાઈવસી અને સુરક્ષાને મજબૂત કરવા માટે પણ મોટું યોગદાન આપ્યું છે. આ સાથે જ જાહેરાત કરાઈ છે કે, વોટ્સએપના હેડ એટલે કે નવા ગ્લોબલ સીઈઓ તરીકે ભારતીય મૂળના એન્જિનિયર કુણાલ શાહની નિમણૂક કરાશે.
વિલ કેથકાર્ટ મેટામાં નવી પ્રોડક્ટ્સ પર કામ કરશે
વોટ્સએપના વડા તરીકેનું પદ છોડ્યા બાદ પણ વિલ કેથકાર્ટ મેટા કંપની સાથે જોડાયેલા રહેશે. તેઓ હવે મેટાની અંદર જ એક નવી ભૂમિકા સ્વીકારવા જઈ રહ્યા છે, જેમાં તેઓ તદ્દન શરૂઆતથી (ગ્રાઉન્ડ-અપ) નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ્સ બનાવવાનું કામ કરશે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે (Mark Zuckerberg) વિલ કેથકાર્ટ (Will Cathcart)ની વર્ષોની ભાગીદારી અને યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં પણ તેમની સાથે નજીકથી કામ કરવા ઉત્સુકતા દર્શાવી છે.
ક્રેડના સ્થાપક કુણાલ શાહ સંભાળશે વોટ્સએપની કમાન
વિલ કેથકાર્ટના સ્થાને હવે ભારતના જાણીતા ફિનટેક પ્લેટફોર્મ 'ક્રેડ' (CRED)ના સ્થાપક કુણાલ શાહ (Kunal Shah) વોટ્સએપના આગામી વડા તરીકે મેટા કંપનીમાં જોડાશે. ભારતના સૌથી સફળ ટેકનોલોજી પ્લેટફોર્મ્સમાંથી એક એવા CREDને ઊભું કરનાર કુણાલ શાહ પાસે ગ્લોબલ બિઝનેસની ઉત્તમ સમજ અને નવું સર્જન કરવાની ક્ષમતા છે. માર્ક ઝુકરબર્ગે કુણાલ શાહનું સ્વાગત કરતાં જણાવ્યું છે કે, તેઓ કુણાલ સાથે મળીને વોટ્સએપને વિશ્વના અબજો યુઝર્સ અને લાખો વેપારીઓ માટે વધુ શ્રેષ્ઠ સુવિધા બનાવવાનું કામ ચાલુ રાખશે.

